મુખ્ય સમાચાર
News of Tuesday, 4th May 2021

બિહારમાં ૧૫મે સુધી લોકડાઉન

વારાફરતી રાજયો થઇ રહયા છે લોકઃ કોરોનાએ બિહારને બેહાલ કર્યુઃ સીએમ નીતીશકુમારનું એલાન

પટણા, તા.૪: કોરોનાના બેલગામ કેસ અને હાઇકોર્ટની કડક પ્રતિક્રિયા બાદ બિહાર સરકારે લોકડાઉનનું એલાન કર્યુ છે. મુખ્યમંત્રી નીતીશકુમારે તેમના ટવિટર હેન્ડલ પરથી બિહારમાં ૧૫મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે.સમગ્ર દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. એક પછી એક રાજયો લોકડાઉન તરફ વળી રહ્યા છે. હવે બિહાર સરકારે ૧૫ મે સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે લોકડાઉનની જાહેરાત કરી છે કે કેબિનિટના પ્રસ્તાવ પર અમે આજે લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે અને લોકડાઉનની વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવાનો આદેશ આપ્યો છે.મુખ્યમંત્રી નીતિશ કુમારે ટ્વીટ કરીને કહ્યું કે, 'કાલે સહયોગી મંત્રીગણ તેમજ અધિકારીઓ સાથે ચર્ચા બાદ બિહારમાં અત્યારે ૧૫ મે ૨૦૨૧ સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આની વિસ્તૃત માર્ગદર્શિકા તેમજ અન્ય ગતિવિધિઓના સંબંધમાં આજે જ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપને કાર્યવાહી કરવા હેતૂ નિર્દેશ આપવામાં આવ્યા છે.' ઉલ્લેખનીય છે કે બિહારમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે. આ સાથે હોસ્પિટલોમાં બેડ અને ઓકિસજનની તંગીની ઘટનાઓ સામે આવી રહી છે.કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે બિહાર સરકાર પર લોકડાઉન લગાવવાનો દબાવ વધી રહ્યો હતો. પટના હાઈકોર્ટે પણ સરકારે પૂછ્યું હતુ કે તે લોકડાઉન લગાવવાનો નિર્ણય લે છે કે પછી અમે લઇએ. સોમવારના બિહારમાં કોરોના સંક્રમણના ૧૧૪૦૭ નવા કેસ સામે આવ્યા. જયારે ૮૨ દર્દીઓના મોત થયા. નવા કેસ સામે આવ્યા બાદ રાજયમાં એકિટવ કેસની સંખ્યા ૧,૦૭,૬૬૭ પહોંચી ગઈ.

(3:26 pm IST)