મુખ્ય સમાચાર
News of Monday, 4th July 2022

અગ્નિપથ સ્કીમ વિરૂદ્ધ અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી: નોટિફિકેશન રદ કરવાની છે માંગણી

પીઆઈએલમાં એરફોર્સના જવાનોનું કહેવું છે કે આના કારણે તેમની કારકિર્દી 20 વર્ષની જગ્યાએ માત્ર 4 વર્ષની થઈ જશે

નવી દિલ્હી :સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે સુનાવણી માટે સ્વીકારી લીધી છે. આવતા અઠવાડિયે ઉનાળુ વેકેશન સમાપ્ત થયા બાદ સુપ્રીમ કોર્ટમાં તેની સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં એરફોર્સના જવાનોનું કહેવું છે કે આના કારણે તેમની કારકિર્દી 20 વર્ષની જગ્યાએ માત્ર 4 વર્ષની થઈ જશે. અરજી દાખલ કરનાર એડવોકેટ એમએલ શર્માએ કહ્યું, ‘મારી વિનંતી છે કે સરકાર દ્વારા ભરતી માટે જારી કરાયેલી સૂચના રદ કરવામાં આવે. સરકાર કોઈપણ યોજના લાવી શકે છે, પરંતુ અહીં વાત સાચી અને ખોટી છે. અત્યારે પણ 70 હજાર લોકો એપોઈન્ટમેન્ટ લેટરની રાહ જોઈ રહ્યા છે.

જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને જસ્ટિસ જેકે મહેશ્વરીની વેકેશન બેંચ સમક્ષ આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર દલીલ કરે છે કે અગ્નિપથ યોજના ઓછામાં ઓછા તે લોકોને લાગુ ન થવી જોઈએ જેઓ પહેલેથી જ ચાલુ ભરતી પ્રક્રિયામાં સામેલ છે અને નિમણૂક પત્રોની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ મુદ્દે તાત્કાલિક સુનાવણી થવી જોઈએ કારણ કે આ સૈનિકોની કારકિર્દીનો પ્રશ્ન છે. વકીલે કહ્યું કે ઘણા પ્રયત્નો પછી પણ રજિસ્ટ્રી વિભાગ દ્વારા તારીખ આપવામાં આવી નથી. શર્માએ કહ્યું કે કોર્ટે 14 જૂને રક્ષા મંત્રાલય દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનને રદ કરવું જોઈએ, જેમાં અગ્નિપથ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી.

આ કેસમાં બીજી અરજી એડવોકેટ વિશાલ તિવારી વતી દાખલ કરવામાં આવી છે. તેમણે કોર્ટ પાસે માંગ કરી છે કે અગ્નિપથ યોજનાની તપાસ કરવા માટે એક નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવે. તેમણે કહ્યું કે સમિતિએ નક્કી કરવું જોઈએ કે યુવાનોના ભવિષ્ય અને દેશની સુરક્ષા વ્યવસ્થા પર આ યોજનાની શું અસર પડશે. અગ્નિપથ યોજના વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર વતી ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. જેમાં સરકારે કહ્યું કે કોઈપણ નિર્ણય આપતા પહેલા કોર્ટે આ મુદ્દે સરકારનો પક્ષ પણ સાંભળવો જોઈએ.

(8:02 pm IST)