મુખ્ય સમાચાર
News of Monday, 4th July 2022

હું 'યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ' એટલો શબ્દ બોલું છું ત્યાં સુધીમાં તો યુપીઆઈ દ્વારા ૭ હજાર ટ્રાન્જેક્શન કમ્પ્લીટ પણ થઈ ગયા : નરેન્દ્રભાઈ મોદી

વિશ્વના કુલ ટ્રાન્જેક્શનમાંથી ૪૦ ટકા ડિજિટલ ટ્રાન્જેક્શન ભારતમાં થાય છે

અમદાવાદ :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ફિન-ટેક સોલ્યુશન્સ, ફાઈનાન્સ માટે ટેકનોલોજીનો ઉપયોગ એ સાચા અર્થમાં સાચી લોકશાહી છે. યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ-યુપીઆઈ 'બાય ધ પીપલ' છે -લોકો દ્વારા તેનો ઉપયોગ થાય છે. 'ઓફ ધી પીપલ' છે -લોકોની જ વ્યવસ્થા છે અને 'ફોર ધ પીપલ' છે - એટલે કે લોકો માટેની જ વ્યવસ્થા છે. ભારતના ફિન-ટેક-યુપીઆઈ-યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ પ્લેટફોર્મની ઉત્તમમાં ઉત્તમ પ્લેટફોર્મ તરીકે વર્લ્ડબેંકથી લઈને તમામે પ્રશંસા કરી છે.
ડિજિટલ ઈન્ડિયા વીક- 2022 ના શુભારંભ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ગત મે મહિના દરમિયાન ભારતમાં દર મિનિટે 1,30,000 યુપીઆઈ ટ્રાન્જેક્શન થયા હતા. આમ જોઈએ તો દર સેકન્ડે 2200 ટ્રાન્ઝેક્શન થયા હતા. 'હું "યુનિફાઇડ પેમેન્ટ ઈન્ટરફેસ" એટલું નામ બોલું છું એટલા સમયમાં યુપીઆઈ દ્વારા 7000 ટ્રાન્જેક્શન કમ્પ્લીટ થઈ ગયા હશે.'
 નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, મને કહેતા ગર્વ થાય છે કે, આપણો દેશ દુનિયાના સમૃદ્ધ દેશોની સરખામણીમાં વિકાસશીલ દેશ કહેવાય છે, પરંતુ સમગ્ર વિશ્વના 40% ડિજિટલ ટ્રાન્જેક્શન આપણા ભારતમાં થાય છે. ભીમ-યુપીઆઈ ડિજિટલ ટ્રાન્જેક્શન એપ ભારતનું સશક્ત માધ્યમ બની છે.
 નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, કોઈ શહેરના વિશાળ મોલમાં જે ટેકનોલોજીથી મની ટ્રાન્સફર કે ટ્રાન્જેક્શન થઈ રહ્યું છે, એ જ ટેકનોલોજી મોલની બહાર ફૂટપાથ પર બેઠેલો પાથરણાવાળો ફેરિયો પણ વાપરી રહ્યો છે. હળવી શૈલીમાં એમણે કહ્યું હતું કે, હમણાં મેં સાંભળ્યું કે, બિહારમાં એક ભિક્ષુક ભિક્ષા પણ ડિજિટલી લેતો હતો. એ ભિક્ષુક પાસે એનો પોતાનો ક્યુ-આર કોડ હતો. આજે અમીર હોય કે ગરીબ, ગામ હોય કે શહેર ડિજિટલ ઇન્ડિયાએ સૌને સમાન શક્તિ આપી છે.

(9:33 pm IST)