વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલૉજીના માધ્યમથી નાગરિકોની સવલતોમાં વધારો કરતી ૭ ડિજિટલ સેવાઓ દેશવાસીઓને સમર્પિત કરી
ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ, માય સ્કીમ, મેરી પહેચાન, ડિજિટલ ઇન્ડિયા ભાષિની, ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ, ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ તથા કેટાલાઈઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુક જેવી ડિજિટલ પહેલનું લૉન્ચિંગ
અમદાવાદ :મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત “ડિજિટલ ઇન્ડિયા વીક-૨૦૨૨”ના શુભારંભ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટેકનોલૉજીના માધ્યમથી જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે નવીન ૭ ડિજિટલ સેવાઓ દેશવાસીઓને સમર્પિત કરી હતી. જેમાં ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ, માય સ્કીમ, મેરી પહેચાન, ડિજિટલ ઇન્ડિયા ભાષિની, ડિજિટલ ઇન્ડિયા જેનિસિસ, ચીપ્સ ટુ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ અને કેટલાયઝીંગ ન્યૂ ઇન્ડિયાઝ ટેકેડની ઇ-બુકનો સમાવેશ થાય છે.
વડાપ્રધાનના હસ્તે શરૂ કરાયેલ ‘ડિજિટલ ઈન્ડિયા ભાષિની’ પહેલ થકી દેશની વિવિધ ભાષાઓમાં વૉઇસ-આધારિત ઍક્સેસથી ભારતીય ભાષાઓમાં કન્ટેન્ટના નિર્માણમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓની સરળ પહોંચને વધુ મજબૂત કરવામાં આવશે. ભારતીય ભાષાઓ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ભાષા ટેક્નોલોજીકલ સોલ્યુશન્સથી વધુને વધુ નાગરિકો જોડવામાં પણ સરળતા થશે.
આ ઉપરાંત ‘ડિજિટલ ઈન્ડિયા જેનિસિસ (ઈનોવેટિવ સ્ટાર્ટઅપ માટે જનરલ નેક્સ્ટ સપોર્ટ)’ને પણ આજે વડાપ્રધાન દ્વારા શરુ કરવામાં આવી જે એક રાષ્ટ્રીય ડીપ-ટેક સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ છે. આ સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ ભારતના ટિયર-II અને ટિયર-III શહેરોમાં શરૂ થયેલા પ્રતિભાવાન સ્ટાર્ટઅપ્સને શોધીને તેને એક સફળ સ્ટાર્ટઅપ બનાવવા અને તેને વિકસાવવામાં પણ મદદરૂપ થશે. જે માટે અંદાજે રૂ. ૭૫૦ કરોડ ખર્ચની પરિકલ્પના કરવામાં આવી છે.
‘ઇન્ડિયાસ્ટેક ગ્લોબલ’ એ આધાર, યુ.પી.આઈ, ડિજીલોકર, કો-વીન વેક્સિનેશન પ્લેટફોર્મ, ગવર્નમેન્ટ,
ઈ-માર્કેટપ્લેસ (GeM), DIKSHA પ્લેટફોર્મ અને આયુષ્માન ભારત ડિજિટલ હેલ્થ મિશન જેવા ઈન્ડિયા સ્ટેક હેઠળ અમલમાં મૂકાયેલા મુખ્ય પ્રોજેક્ટ્સનું કેન્દ્રબિંદુ ગણાય છે.
‘માય-સ્કીમ’ પ્લેટફોર્મ એક સામાન્ય નાગરિકને સરકારી યોજનાઓ વિશેની માહિતી, યોજનાનો લાભ લેવાની પ્રક્રિયા વગેરેની માહિતી પ્રદાન કરશે. જેનો ઉદ્દેશ્ય “વન-સ્ટોપ સર્ચ એન્ડ ડિસ્કવરી”નો છે જ્યાં લાભાર્થીઓ કઇ સરકારી યોજનાઓ લાભ લેવા માટે લાયક છે તે સરળતાથી શોધી શકે છે.
‘મેરી પહેચાન- નેશનલ સિંગલ સાઈન-ઓન ફોર વન સિટીઝન લોગિન’ની સુવિધાને દેશના નાગરિકોને સમર્પિત કરવામાં આવી છે. નેશનલ સિંગલ સાઇન-ઓન એ એક યુઝર ઓથેન્ટીકેશન સેવા છે, જે વિવિધ ઓળખપત્રો બહુવિધ ઑનલાઇન એપ્લિકેશનો અથવા સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ બનશે.
‘ચિપ્સ ટુ સ્ટાર્ટઅપ(C2S)’ પ્રોગ્રામનો મુખ્ય હેતુ સેમિકન્ડક્ટર ચિપ્સ ડિઝાઇનના ક્ષેત્રે સ્નાતક, અનુસ્નાતક અને સંશોધનના સ્તરે જ વિશેષ માનવશક્તિને તાલીમ આપી દેશમાં જ સેમિકન્ડક્ટર ડિઝાઇન સાથે સંકળાયેલા સ્ટાર્ટ-અપ્સના વિકાસ માટે પ્રોત્સાહન આપવાનો છે. આ પહેલ સેમિકન્ડક્ટર્સમાં ડિઝાઇન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટેના ‘ભારત સેમિકન્ડક્ટર મિશન’નો એક મહત્વનો ભાગ છે.
આ પ્રસંગે વડાપ્રધાનએ કેટલાઇઝિંગ ન્યુ ઇન્ડીયાઝ ટેકેડની ઇ-બુકનું વિમોચન પણ કર્યું હતું.