મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

કયારેક ટ્રેકટર તો કયારેક સાયકલ ચલાવી રહ્યા છે રાહુલ ગાંધી, કોંગ્રેસ કયારે ચલાવશે ?

બીજેપીના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

નવી દિલ્હી તા. ૪ : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈ કાલે ૧૪ વિપક્ષી દળોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. તેમણે નેતાઓને બંધારણીય કલબમાં નાસ્તા માટે આમંત્રિત કર્યા હતા જયાં પેગાસસ, મોંઘવારી વગેરે મુદ્દાઓ પર નરેન્દ્ર મોદી સરકારને ઘેરી લેવાની સામાન્ય વ્યૂહરચના પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ રાહુલ ગાંધી વિપક્ષી નેતાઓ સાથે મોંઘવારીના વિરોધમાં સાયકલ દ્વારા સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની સાઈકલ માર્ચ ખબરોમાં રહી. આ મુદ્દો ટીવી ડિબેટ શોમાં પણ પ્રભુત્વ ધરાવે છે જયાં ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.

ઈન્ડિયા ટીવીના ડિબેટ શો 'કુરૂક્ષેત્ર'માં સંબિત પાત્રાએ રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે તેઓ કયારેક ટ્રેકટર ચલાવે છે, કયારેક સાઈકલ ચલાવે છે પરંતુ કોંગ્રેસ કયારે ચલાવશે. તેમણે કહ્યું, 'રાહુલ ગાંધી એક દિવસ પહેલા ટ્રેકટર ચલાવતા હતા, આજે તેઓ સાયકલ ચલાવી રહ્યા છે, આ કોંગ્રેસ કયારે ચાલશે, તેમને જ પૂછો? શું તેઓ સાયકલ, ટ્રેકટર ચલાવવાનું ચાલુ રાખશે કે કોંગ્રેસ પણ તેમને ચલાવશે? કોંગ્રેસ નથી ચાલી રહી, તેઓ ટ્રેકટર અને સાઇકલ ચલાવશે.'

સંબિત પાત્રાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ડિબેટ શોનો આ વીડિયો પણ શેર કર્યો છે, જેના પર ટ્વિટર યુઝર્સ પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. રહીમ શેખ નામના યુઝરે સંબિત પાત્રાને નિશાન બનાવતા જવાબ આપ્યો, 'શું અટલ જીની જેમ બળદ ગાડી પર જવું જોઈએ?'

(11:32 am IST)