મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

આદિવાસીએ પહાડ કાપી ૩૦ વર્ષે બે કિમી રસ્તો બનાવ્યો

ઓરિસ્સાના નયાગઢ જિલ્લાના એક ગામની ઘટના : શહેરમાં જવા બહુ સમય લાગતો હતો, લોકોએ તંત્ર સમક્ષ અનેક અરજી છતાં પરિણામ ન આવતા શખ્સે રસ્તો બનાવ્યો

પટના, તા.૪ : બિહારના દશરથ માંઝીએ પોતાના પ્રેમ માટે જે કર્યું તે દરેક જાણે છે. તેમણે પત્નીના મૃત્યુ પછી પહાડને એકલા હાથે તોડીને એક રસ્તો તૈયાર કર્યો. આવા જ એક દશરથ માંઝી ઓરિસ્સામાં પણ છે. અહીંના નયાગઢ જિલ્લાના ઓડાગામ બ્લોકના તુલુબી ગામમાં રહેતા એક આદિવાસી વ્યક્તિએ પહાડ કાપીને ૨ કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કર્યો છે.

આ વ્યક્તિનું નામ હરિહર બેહરા છે. તેમના ગામ સુધી પહોંચવા માટે કોઈ પણ પ્રકારની પરિવહનની સુવિધા નહોતી. ગામના લોકોએ પ્રશાસન સમક્ષ અનેક વાર આ બાબતે અરજી કરી પરંતુ કોઈ પ્રતિક્રિયા જોવા ના મળી. આખરે હરિહરે પોતે પોતાના ભાઈ સાથે મળીને આ કામ કરવાનો નિર્ધાર કર્યો.

હરિહર અને તેમના ભાઈએ મળીને પહેલા જંગલના એક રસ્તાને સંપૂર્ણપણે સાફ કર્યો. ત્યારપછી તેમણે પહાડ તોડ્યા. પહેલા તેમણે ધમાકો કરીને પહાડ તોડવાની યોજના બનાવી હતી. પરંતુ પછીથી તેમણે યોજનામાં બદલાવ કર્યો હતો. ગામના લોકોએ પણ હરિહરની ઘણી મદદ કરી હતી. તેમણે પોતાના જીવનના લગભગ ૩૦ વર્ષ આ રસ્તો બનાવવામાં પસાર કર્યા.

હરિહર જણાવે છે કે, ગામથી શહેર સુધી જવાનો કોઈ રસ્તો નહોતો. અમને ગામ સુધી પહોંચવામાં અને શહેર જવામાં ઘણો સમય લાગતો હતો. અમે તંત્રને ઘણી વાર આ બાબતે અરજી કરી પરંતુ કંઈ કામ ના થયું. આ રોડ બનાવવામાં ૩૦ વર્ષ લાગી ગયા. હું આજે આ રસ્તાને જોઈને ઘણો ખુશ થઈ જઉ છું. બીજા ગામના લોકો અમારું ગામ જોવા માટે આવે છે. જિલ્લા ગ્રામીણ વિકાસ વિભાગ અને પંચાયત હવે આ રસ્તાનું કામ પૂરું કરાવી રહ્યા છે. અહીંના કલેક્ટરે પણ હરિહરના કામના વખાણ કર્યા હતા.

(7:31 pm IST)