મુખ્ય સમાચાર
News of Wednesday, 4th August 2021

શ્રી રામ બોલવામાં વાંધો હોય તેના ડીએનએ પર શંકા

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું નિવેદન : રામ આપણા પૂર્વજ હતા અને તે વાત પર આપણને ગર્વ હોવો જોઈએ, ઈન્ડોનેશિયા રામને પોતાના પૂર્વજ માને છે

લખનૌ, તા.૪ : યુપીના સીએમ યોગી આદિત્યનાથનુ કહેવુ છે કે, મને નથી લાગતુ કે યુપી કે દેશના બીજા કોઈ રાજ્યના વ્યક્તિને પણ જય શ્રી રામ બોલવામાં વાંધો હોય. રામ આપણા પૂર્વજ હતા અને તે વાત પર આપણને ગર્વ હોવો જોઈએ. જે લોકો એવુ નથી માનતા તેમના ડીએનએ પર મને શંકા જાય છે. એક કાર્યક્રમ દરમિયાન યોગી આદિત્યનાથે કહ્યુ હતુ કે, હું સમયાંતરે તમામ ધર્મના ધર્મગુરુઓને મળતો હોઉ છું અને તેમની વાતાનો ધ્યાનથી સાંભળુ છું.

          આજે યુપીનો દરેક વ્યક્તિ માને છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી તોફાન થયા નથી અને જો તોફાનો થાય છે ત્યારે બંને પક્ષને નુકસાન થતુ હોય છે. એક પક્ષ સુરક્ષિત રહે તો બીજો પક્ષ પણ સુરક્ષિત રહેશે. યોગીએ કહ્યુ હતુ કે, દુનિયાની સૌથી વધારે મુસ્લિમ વસતી ધરાવતો દેશ ઈન્ડોનેશિયા પણ રામને પોતાના પૂર્વજ માને છે. ત્યાં મુસ્લિમો રામલીલા કરે છે.રામ આપણા પૂર્વજ હતા તેના પર આપણને ગૌરવ હોવુ જોઈએ. જો ઈન્ડોનેશિયા ગૌરવ કરતુ હોય તો આપણે કેમ ના કરી શકીએ. જે આવુ નથી માનતુ તેના પર અને તેના ડીએનએ પર મને શંકા જાય છે.

(7:32 pm IST)