મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

નેશનલ ક્રાઇમ રેકોર્ડસ બ્યુરોનો રીપોર્ટ

પ્રેમ પ્રકરણ-છુટાછેડાના મામલે આપઘાતમાં ગુજરાત નંબર-૧: મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે

તામિલનાડુ ત્રીજા ક્રમે

નવી દિલ્હી, તા.૪: નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યૂરોએ (NCRB) વર્ષ ૨૦૧૯ માટે જાહેર કરેલા 'એકિસડેન્ટલ ડેથ અને સ્યૂસાઈડ ઈન ઈન્ડિયા'ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, ડિવોર્સ અને પ્રેમસંબંધોના કારણે આપદ્યાત કરવામાં ગુજરાત ટોચ પર છે.

૨૦૧૯માં ગુજરાતમાં ડિવોર્સના કારણે કુલ ૮૪ લોકોએ જીવન ટૂંકાવ્યું હતું. જેમાં ૫૩ પુરુષો અને ૩૧ મહિલાઓને સમાવેશ થાય છે. ૨૦૧૯માં પ્રેમસંબંધોના કારણે રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધારે આપદ્યાતના કિસ્સાઓ સામે આવ્યા હતા.

ડિવોર્સના કારણે આપદ્યાત કરવામાં ગુજરાત બાદ મહારાષ્ટ્ર બીજા નંબરે છે. જયાં ૬૭ લોકોએ જીવનનો અંત આણ્યો હતો. જયારે ત્રીજા નંબર પર તમિલનાડુ છે જયાં ડિવોર્સના કારણે આપદ્યાત કર્યો હોય તેવા ૫૯ કિસ્સા સામે આવ્યા હતા. આપઘાતના કિસ્સા મુખ્યત્વે અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી આવ્યા હતા, કારણ કે શહેરોમાં ૮૪માંથી ૧૦ મોત નોંધાયા હતા. એકંદરે, ૨૯૬ લોકોએ લગ્ન-સંબંધિત સમસ્યાના કારણે જીવન ટૂંકાવ્યું હતું. જેમાંથી ૨૨ લોકોના આપદ્યાત પાછળનું કારણ લગ્નેત્તર સંબંધો હતા.

'ગુજરાતીઓ ખૂબ જ સામાજિક હોય છે અને પોતાના પરિવાર સાથે બંધાયેલા હોય છે. જયારે જીવનસાથી અલગ થાય છે ત્યારે અન્ય એકલતા અને હતાશા અનુભવે છે. સામાજિક-સાંસ્કૃતિક કલ્ચર ધરાવતા રાજયમાં જયારે કોઈ વ્યકિત લગ્ન કરે છે જયારે તેને/તેણીને હંમેશા દંપતી તરીકે આમંત્રણ આપવામાં આવે છે', તેમ સ્યૂસાઈડ હેલ્પલાઈન ચલાવતા વડોદરાના સાઈકિયાટ્રિસ્ટ ડો.યોગેશ પટેલે જણાવ્યું હતું.

ડો.યોગેશ પટેલે કહ્યું કે, 'કેટલાક કિસ્સાઓમાં તેઓ એકલા હોવાથી સમાજ સાથે હળવા-મળવાનું બંધ કરી દે છે. જે તેમને ઉદાસી અથવા દારૂ પીવા તરફ દોરી જાય છે, જે જીવનના અંત તરફ લઈ જઈ શકે છે'.

પ્રેમ પણ સૌથી મોટો હત્યારો હતો. જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ૨૦૧૫માં પ્રેમના કારણે ૩૧૪ લોકોએ આપદ્યાત કર્યો હતો, જેમાં ૫૮ ટકા વધીને ૨૦૧૯માં ૪૯૫ લોકોના મોત થયા હતા. નિશ્યિત સંખ્યાના સંદર્ભમાં ભારતીય રાજયોમાં ગુજરાત પાંચમા ક્રમે છે, જયાં પ્રેમસંબંધના કારણે ૮ ટકા લોકોના મોત થાય છે.

જીવન આસ્થા સ્યૂસાઈડ પ્રિવેન્શન હેલ્પલાઈનના કો-ઓર્ડિનેટર પ્રવિણ વાલેરાએ કહ્યું કે, 'માનસીક પીડાના સંકેતોને ઓળખવા જરૂરી છે. અમે ઘણીવાર ફોન કરનારના માતા-પિતાનું કાઉન્સેલિંગ કરીએ છીએ'.

(10:09 am IST)