મુખ્ય સમાચાર
News of Friday, 4th September 2020

રાજકોટમાં કોરોનાનો કુલ આંક ૩૫૦૦ને પારઃ નવા ૪૫ કેસ

કુલ આંક ૩૫૨૪એ પહોંચ્યોઃ ગઇકાલે ૨૯ દર્દીઓ સાજા થતા કુલ ડિસ્ચાર્જ ૧૭૫૨ થતા રિકવરી રેટ ૫૦.૩૫ ટકા થયો

રાજકોટ,તા.૪: શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાં તંત્ર વાહકો, નાગરિકે તમામ મોરચે, એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કરી રહ્યા છે. છતાં કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લેતા છેલ્લા સાત દિવસથી કોરોનાનાં આંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજ દિન સુધીનાં એક જ દિવસમાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક  ગઇકાલે ૮૬ કેસ નોંધાયા હતા. આજે પણ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૪૫ પોઝીટીવ કેસ આવ્યા છે. તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૫ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૫૨૪ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૭૫૨ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૫૦.૩૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૩૨૮૧ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૮૬ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૬૨ ટકા થયો  હતો. જયારે ૨૯ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૭૪,૭૨૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૫૨૪ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૪.૬૫  ટકા થયો છે.

મેયરના પી.એ.ત્રણ દિ' હોમકોરોન્ટાઇન

રાજકોટ તા. ૪ : શહેરના પ્રથમ નાગરિક બિનાબેન આચાર્ય કોરોનાથી સંક્રમિત થતા વધુ લોકોમા સંક્રમણ ન ફેલાઇ માટે તેઓએ તેમના સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન અને ટેસ્ટ કરાવવા અપિલ કરી હતી. જયારે મેયરના પી.એ તરીકે ફરજ બજાવતા કનુભાઇ હીંડોચા આજથી ત્રણ દિ' હોમકોરોન્ટાઇન થયા છે. અત્રે નોંધનીય છે કે, મેયર ઓફીસ અને રેસકોર્સ સ્થિત મેયર બંગલો તુરંત સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો.

ડે. મેયર સહિત પરિવારના સભ્યોના રીપોર્ટ નેગેટીવ

રાજકોટ : તાજેતરમાં શહેરના મેયર બિનાબેન આચાર્યનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા ડે. મેયર અશ્વિનભાઇ મોલીયાએ આજે સવારે તેમના સંપર્કમાં આવેલ તેમનો અને પરિવારજનોનો અને વિસ્તારના લોકોનો રીપોર્ટ કરવામાં આવ્યા હતા. આ તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

વોર્ડ નં.૧૪ના મહિલા કોર્પોરેટરનો પુત્ર કોરોનાની ઝપટે ચડયો

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧૪ના ભાજપના મહિલા કોર્પોરેટર કિરણબેન રાજુભાઇ સોરઠીયાનો નાનો પુત્ર કરનનો કોરોનાનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કરનને શંકાસ્પદ લક્ષણો જણાતા ટેસ્ટ કરાવતા આજે સવારે તેઓ કોરોનાથી સંક્રમિત થયાનું રીપોર્ટમાં જાહેર થયું હતું.

(3:10 pm IST)