મુખ્ય સમાચાર
News of Tuesday, 4th October 2022

દિવાળી ગિફટ અને બોનસ પર પણ ટેક્‍સ લાગે છે?

જાણો શું કહે છે નિયમ

નવી દિલ્‍હી,તા. ૪ : દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે કેટલીક કંપનીઓ આ અવસરે કર્મચારીઓને બોનસ આપે છે. બોનસના પૈસા પગારમાં ઉમેરવામાં આવે છે, જે પગારના ભાગ તરીકે ગણવામાં આવે છે. ટેક્‍સ સ્‍લેબ પ્રમાણે બોનસ પર પણ ટેક્‍સ વસૂલ કરવામાં આવે છે.
જો તમે પણ કોઈ ગિફટ અથવા બોનસ મેળવવા જઈ રહ્યા છો, અથવા તે મેળવ્‍યું છે, તો એકવાર તમારે તેના ટેક્‍સ સંબંધિત નિયમો જાણવા ખૂબ જરૂરી છે. ગિફટ હોય કે બોનસ કે રૂપિયા-પૈસાનું ગિફટ, તેના ટેક્‍સ નિયમ જાણીલેવા ખૂબ જરૂરી છે.
ઈનકમ ટેક્‍સની ગાઈડલાઈનમાં ગિફટની ખાસ વ્‍યાખ્‍યા આપવામાં આવી છે. ભેટ એટલે મળેલા ધનની કોઈ પણ રકમ, કંઈક ખાસ ચલ સંપત્તિઓ, ઓછી કિંમતે મળેલી વિશેષ જંગમ મિલકતો, કોઈપણ કંસીડરેશન વિના પ્રાપ્ત થયેલ અચલ મિલકતો અને અચલ મિલકત ઓછી કિંમત પર મેળવેલ હોય તો તેને ગિફટની શ્રેણીમાં રાખવામાં આવે છે. મોનિટરી ગિફટ પર ટેક્‍સના નિયમ છે. પરંતુ આ વર્ષમાં અમુક ખાસ ટેક્‍સ છૂટની પણ જોગવાઈ છે.
જો તમારા નજીકના સંબંધી પાસેથી નાણાકીય ભેટ લેવામાં આવે એટલે કે, રૂપિયા અને પૈસામાં ભેટ લેવામાં આવે તો તેના પર કોઈ ટેક્‍સ લાગતો નથી. જો આ ભેટ પત્‍ની અથવા પતિ, ભાઈ, બહેન, માતા-પિતા અથવા પરિવારના અન્‍ય સભ્‍યો પાસેથી લેવામાં આવે તો તેના પર કોઈ ટેક્‍સ લાગતો નથી.
એચયુએફના કિસ્‍સામાં લગ્ન પ્રસંગે કોઈની પાસેથી ભેટ તરીકે મળેલા નાણાં, વારસામાં મળેલા નાણાં, ડોનરના મૃત્‍યુ પછી મળેલા નાણાં, લોકલ ઓથોરિટી પાસેથી મળેલા નાણાં, કોઈપણ ફંડ, ફાઉન્‍ડેશન, યુનિવર્સિટી, મેડિકલ ઈન્‍સ્‍ટીટ્‍યૂશનથી મળેલ ફંડ, કંપનીના મર્જર અથવા ડી-મર્જરથી મળેલા પૈસા પર કોઈ ટેક્‍સ લાગતો નથી.
એક્‍સપર્ટ અનુસાર દિવાળી ગિફટની કિમત તમારે ટેક્‍સના રૂપમાં ચુકવવી પડી શકે છે. અર્ચિત ગુપ્તાનું કહેવું છે જો નાણાકીય વર્ષમાં ૫,૦૦૦ રૂપિયાથી ઓછાની ગિફટ અથવા વાઉચર મળે. તો તેના પર કોઈ ટેક્‍સ લાગતો નથી. જો તમને ૫,૦૦૦ રૂપિયાથી વધુની ગિફટ અથવા વાઉચર મળે. તો આ રકમ તમારા પગારમાં ઉમેરવામાં આવશે અને તમારા ટેક્‍સ સ્‍લેબ મુજબ ટેક્‍સ લાગશે.
ઉદાહરણ તરીકે, ધારો કે તમને દિવાળી પર ભેટ તરીકે રૂ. ૫,૦૦૦ મળે છે, તો ક્રિસમસ પર રૂ. ૩,૦૦૦ મળે છે. આ રીતે તમારે ૩,૦૦૦ રૂપિયા પર ટેક્‍સ ચૂકવવો પડશે.
કેટલીક કંપનીઓ દિવાળી પર તેમના કર્મચારીઓને બોનસ આપે છે. બોનસ મની કર્મચારીના પગારમાં ઉમેરવામાં આવે છે. તેને પગારનો જ એક ભાગ માનવામાં આવે છે. પછી ટેક્‍સ સ્‍લેબ પ્રમાણે ટેક્‍સ વસૂલવામાં આવે છે. બોનસ નાણા સંપૂર્ણપણે કરપાત્ર છે.

 

(11:13 am IST)