મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

ઓબામા કેમ TV પર લાઈવ કોરોના વેકિસન લેવા માગે છે?

લોકોના મનમાં વેકિસન (રસી)ને લઈને વિશ્વાસ ઊભો કરવા માટે અમેરિકાના ૩ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટસે સૌપ્રથમ કોરોનાની વેકિસનનો ડોઝ લેવાની ઈચ્છા વ્યકત કરી છે

વોશીંગ્ટન,તા.૪ :  અમેરિકામાં કોરોના વાયરસની વેકિસનની અસર શું હશે તે અંગે હજુ પણ લોકોના મનમાં શંકા છે. ત્યારે હવે લોકોના મનમાં વેકિસન (રસી)ને લઈને વિશ્વાસ ઊભો કરવા માટે અમેરિકાના ૩ ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ્સે સૌપ્રથમ કોરોનાની વેકિસનનો ડોઝ લેવાની ઈચ્છા વ્યકત કરી છે. જેમાં બારાક ઓબામા, જયોર્જ ડબ્લ્યુ બુશ અને બિલ કિલન્ટનનો સમાવેશ થાય છે.

બુધવારે એક ઈન્ટરવ્યુમાં અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બારાક ઓબામાએ કહ્યું કે તેઓને અમેરિકાના જાણીતા ડોકટર એન્થની ફૌસી પર સંપૂર્ણ ભરોસો છે. જો તેઓ જણાવશે કે આ વેકિસન સુરક્ષિત છે તો હું કોરોનાની વેકિસનનો ડોઝ લઈશ. તેમણે કહ્યું કે હું આ વેકિસનનો ડોઝ ટીવી પર લાઈવ લઈ શકું છું, અથવા તો તેનું રેકોર્ડિંગ કરી શકાય છે. જેથી લોકોને એ વાતની જાણકારી મળે કે મને આ વેકિસનના વિજ્ઞાન પર સંપૂર્ણ ભરોસો છે.

 બારાક ઓબામાએ માન્યું કે આફ્રિકી અમેરિકન સમુદાયમાં ઘણાં એવા લોકો છે કે જેઓને આ વેકિસન પર વિશ્વાસ નથી. મોટાપાયે કરવામાં આવતા વેકિસનેશને પોલિયો જેવી બીમારીને ખતમ કરી છે. બુધવારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જયોર્જ ડબલ્યુ બુશના ચીફ ઓફ સ્ટાફ ફ્રેડી ફોર્ડે કહ્યું કે સૌપ્રથમ કોરોના વેકિસન કેટલી સુરક્ષિત છે તે વિશે જાણવું જરૂરી છે અને તે પ્રાથમિકતાના ધોરણે લોકોને આપવી જોઈએ. આ માટે પૂર્વ રાષ્ટ્રપતિ બુશ પણ લાઈનમાં ઊભા રહીને ખુશીથી કેમેરાની સામે આ વેકિસનનો ડોઝ લેશે.

જયારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટને પણ કહ્યું કે તેઓ જાહેરરૂપે કોરોના વાયરસની વેકિસન લેવા માટે તૈયાર છે. જો આવું કરવાથી અમેરિકન્સમાં વેકિસન પ્રત્યેનો વિશ્વાસ પેદા થતો હોય તો તેઓ જાહેરરૂપે કોરોનાની વેકિસન લઈ શકે છે. કારણકે નવેમ્બરમાં ત્યાં એક સર્વે થયો હતો કે જેમાં એવું તારણ સામે આવ્યું હતું કે અમેરિકાના લોકોના મનમાં વેકિસનને લઈને ડર જોવા મળી રહ્યો છે. તેઓના મનમાં કોરોના વેકિસનના શરીર પરના રિએકશનને લઈને શંકા છે.

(10:32 am IST)