મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

મહારાષ્‍ટ્રના સોલાપુર જીલ્લાના પારિતેવાદી ગામના શિક્ષકને ‘ગ્‍લોબલ ટીચ પ્રાઇઝ એવોર્ડ': 10 લાખ અમેરિકન ડોલરનું ઇનામ મળ્‍યુ

ભારતના મહારાષ્ટ્રમાં આવેલી એક પ્રાથમિક સ્કૂલના શિક્ષક રંજીતસિંહ દિસાલેના વાર્ષિક “ગ્લોબલ ટીચર પ્રાઈઝ-2020”ના વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. જેમાં ઈનામ તરીકે તેમને મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પારિતેવાદી ગામના રહેતા 32 વર્ષના રણજીતસિંહ દિસાલેને 10 લાખ અમેરિકન ડોલર (અંદાજિત 7 કરોડ 38 લાખ રૂપિયા) મળ્યાં છે.

રણજીત સિંહને “ગ્લોબલ ટીચર પ્રાઈઝ”નો એવોર્ડ છોકરીઓમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને દેશમાં ત્વરિત કાર્યવાહીવાળા પાઠ્યપુસ્તકની ક્રાંતિને ટ્રિગર કરવા માટે મળ્યો છે. રણજીત સિંહ દિસાલેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ પણ શુભેચ્છા પાઠવી છે.

ગ્લોબલ ટીચર પ્રાઈઝ જીત્યા બાદ રણજીતસિંહ દિસાલેએ કહ્યું કે, તેઓ પોતાને ઈનામમાં મળેલી રકમનો અડધો હિસ્સો પોતાના સાથીઓને તેમના કાર્યમાં મદદ માટે આપશે.

દિસાલેએ જણાવ્યું કે, કોરોના મહામારીના કપરા કાળમાં સ્કૂલો બંધ છે. સ્કૂલોમાં ડિજિટલ લર્નિંગ તો થઈ રહ્યું છે, પરંતુ તે નક્કર નથી. ખાસ કરીને છોકરીઓ તેમાં પાછળ પડી રહી છે, કારણ કે તેમના હાથમાં મોબાઈલ ઓછો આવે છે.

જો કે આવા મુશ્કેલ સમયમાં પણ શિક્ષક એ પ્રયત્ન કરી રહ્યાં છે કે, દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળી રહે. આથી મને આજે જાહેરાત કરતાં આનંદ થાય છે કે, હું મને ઈનામમાં મળેલી રકમનો અડધો હિસ્સો મારા સાથીઓને તેમના કાર્યને આગળ વધારવામાં આપીશ.

કેવી છે દિસાલેની કહાની?

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના પરિતેવાદી ગામની પ્રાથમિક શાળામાં 2009માં જ્યારે દિસાલે પહોંચ્યા, ત્યારે સ્કૂલની હાલત બિસ્માર હતા. સ્કૂલના નામે ત્યાં માત્ર એક ઈમારત જ હતી અને તે પણ જર્જરિત હાલતમાં. અહીં લોકોને ખાસ કરીને છોકરીઓને ભણાવવામાં કોઈ રસ નહતો. તેમનું માનવું હતું કે, છોકરીઓના ભણવાથી કંઈજ બદલાવાનું નથી.

જો કે દિસાલેએ પરિવર્તન કરવાનું નક્કી કર્યું. તેઓએ ઘરે-ઘરેજ ઈને બાળકોના વાલીઓને ભણાવવા મોકલવામાં તૈયાર કર્યા. આ સાથે જ એક સમસ્યા હતા કે તમામ પુસ્તકો અંગ્રેજીમાં હતા. દિસાલેએ ત્યારે તમામ પુસ્તકોનો માતૃભાષામાં અનુવાદ કર્યો અને તેમાં ટેકનીકનો પણ ઉપયોગ કર્યો. એટલે કે તેમાં QR કોડ સિસ્ટમ ઉમેરી. જેથી વિદ્યાર્થી વીડિયો લેક્ચર એટેન્ડ કરી શકે અને પોતાની ભાષામાં જ સાંભળી શકે. જે બાદ ગામ અને આસપાસના વિસ્તારોમાં બાળ વિવાહ જેવી બદીઓ ઓછી થવા લાગી.

મહારાષ્ટ્રમાં પુસ્તકોમાં ક્યૂઆર કોડ શરૂ કરવાની પહેલ પણ સોલાપુરના આ શિક્ષકે જ કરી. જે બાદ પણ દિસાલે અટક્યા નહી, પરંતુ 2017માં મહારાષ્ટ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યો કે, તમામ સિલેબસને ક્યૂઆર કોડથી સાંકળી લેવામાં આવે. જે બાદ રાજ્ય સરકાર જ નહીં NCERTએ પણ તમામ પાઠ્ય પુસ્તકોમાં ક્યૂઆર કોડની જાહેરાત કરી છે.

સોલાપુરના પછાત ગામની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક દિસાલેને તેમના પ્રયત્નોના કારણે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે.

(5:52 pm IST)