મુખ્ય સમાચાર
News of Friday, 4th December 2020

કોઈ ચોક્કસ કોમ માટે એક કરતા વધુ પત્ની કરી શકવાનો કાયદો રાખી શકાય નહીં : અન્ય ધાર્મિક સમુદાયો માટે પ્રતિબંધિત આ કાયદો ગેરબંધારણીય ગણાવો જોઈએ : મહિલાઓ માટે દમનરૂપ અને અન્ય કોમો માટે સમાનતાના ભંગ સમાન : સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટમાં પાંચ લોકોએ વ્યક્તિગત સ્વરૂપે એડવોકેટ વિષ્ણુ શંકર જૈન મારફત પિટિશન દાખલ કરી છે.જેમાં જણાવ્યા મુજબ  ઇન્ડિયન પીનલ કોડની કલમ 494 તથા મુસ્લિમ પર્સનલ લો 1937 એટલેકે શરીઅત ની કલમ 2 મુજબ મુસ્લિમ લોકો માટે એક કરતા વધુ પત્ની રાખી શકવાનો નિયમ ગેરબંધારણીય ગણાવો જોઈએ .

આ બાબતે કર્ણાટક હાઇકોર્ટના ચુકાદાને ટાંકતા જણાવાયું છે કે શરીઅત મુજબ બીજા લગ્ન કરી શકાય છે પરંતુ આનાથી પ્રથમ પત્ની ઉપર થતા દમનનો વિચાર કરાતો નથી.

હિન્દૂ , ક્રિશ્ચિયન ,તથા પારસીઓ માટે આઇપીસી કલમ 494 મુજબ એક પત્નીની હયાતીમાં બીજી પત્ની કરવી તે બાબત સજાપાત્ર છે  જયારે મુસ્લિમ કોમને આ કલમ લાગુ પડતી નથી.આમ ધાર્મિક કારણસર કલમમાં ભેદભાવ હોવો તે બાબત ભારતના બંધારણની કલમ 14 તથા 15 ( 1) ના ભંગ સમાન છે.

કલમ 494 મુજબ પતિ કે પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરનારને સાત વર્ષની જેલસજા તથા દંડ થઇ શકે છે.આ કલમ મુસ્લિમને  લાગુ પડતી નથી આ વિરોધાભાસ દૂર થવો જોઈએ .બંધારણની કલમ અમુક કોમો માટે શિક્ષાપાત્ર અને અન્ય માટે મોજ સમાન તે બાબત દૂર થવી જોઈએ .આમ કલમ 494 માત્ર ધાર્મિક બાબતને ધ્યાને લઈને જ તૈયાર કરાઈ હોવાથી તે બાબત કલમ 14 અને 15 (1) ના ભંગ સમાન છે.

આમ કોઈ ચોક્કસ ધાર્મિક કોમ માટે એક કરતા વધુ પત્ની કરી શકવાનો કાયદો મહિલાઓ માટે દમનરૂપ  અને અન્ય કોમો માટે સમાનતાના ભંગ સમાન હોવાની રજુઆત પિટિશનમાં કરવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:48 pm IST)