મુખ્ય સમાચાર
News of Friday, 5th February 2021

ખેડૂત આંદોલન મામલે સલમાન ખાને અંતે મોન તોડ્યું: કહ્યું-જે યોગ્ય છે તે થવું જોઇએ

મુંબઇ તા. ૫: દિલ્હી સરહદ પર બે મહિનાથી ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. અમેરિકન પોપ સ્ટાર રિહાન્નાની ટ્વિટ બાદ બોલિવૂડના તમામ સ્ટાર્સ, દેશના કેટલાક ખેલાડીઓ અને નેતાઓ ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. હવે સલમાન ખાને પણ લાંબા સમય પછી ખેડૂત આંદોલન વિશે પોતાનું મંતવ્ય આપ્યું છે.

એક કાર્યક્રમમાં સલમાન ખાન પહોંચ્યો ત્યારે તેને આ સવાલનો સામનો કરવો પડ્યો હતો. જો કે સલમાન ખાન સીધે સીધું કંઈપણ બોલવાનું ટાળતો જોવા મળ્યો હતો.  મુંબઇમાં એક મ્યુઝિક શોના લોન્ચિંગ દરમિયાન તેણે મીડિયા સાથે વાત કરી હતી. સલમાન ખાનને પૂછવામાં આવ્યું હતું કે ખેડૂત આંદોલનની આ દિવસોમાં આખા દેશમાં ચર્ચા થઈ રહી છે અને ઘણા સ્ટાર્સ પણ પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે, તો તે શું કહેવા માંગશે? તેનો અભિનેતાએ  ખૂબ જ સંતુલિત રીતે જવાબ આપ્યો હતો.

ત્રણ ખાન અભિનેતાઓમાંથી સલમાન ખાને ખેડૂત આંદોલન અંગે મૌન તોડ્યું છે. શાહરૂખ ખાન અને આમિર ખાન તરફથી હજી સુધી કોઈ નિવેદન આવ્યું નથી. સલમાને કહ્યું કે, 'અલબત્ત હું તેના પર વાત કરીશ, હું ચોક્કસ કરીશ કે જે યોગ્ય છે તે તે થવું જોઈએ. સાચી વસ્તુઓ દરેકની સાથે થવી જોઈએ.

ગત નવેમ્બરથી પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્ત્।ર પ્રદેશના હજારો ખેડુતો દિલ્હી બોર્ડર પર દેખાવો કરી રહ્યા છે. ખેડુતો ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ પર અડગ છે. સરકાર અને ખેડુતો વચ્ચે અનેક રાઉન્ડની વાટાઘાટો છતાં હજી કોઈ નિકાલ થયો નથી.   

રીહાનાના આ ટ્વિટ બાદ સ્વીડનની પર્યાવરણીય કાર્યકર ગ્રેટા થનબર્ગ, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસ, અભિનેત્રી અમાન્દા સેર્ની, ગાયક જે સીએન૦, ડોકટર જિયૂસ અને ભૂતપૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલિફાએ વિરોધ કરી રહેલા ખેડૂતો માટે સમર્થન આપ્યું હતું.

ભારતે આ બધાની આ ટ્વિટ પર કડક પ્રતિક્રિયા આપી હતી. જેને બોલિવૂડ અને ક્રિકેટની હસ્તીઓ તેમજ ટોચનાં મંત્રીઓ દ્વારા ટેકો મળ્યો હતો.

(3:13 pm IST)