મુખ્ય સમાચાર
News of Friday, 5th February 2021

કૉમેડિયન મુનવ્વર ફારુકીના વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કર્યા

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ફારુકીનું નિવેદન અને તેમના પર લગાવેલા આરોપો અસંગત છે અને અસ્પષ્ટ છે

નવી દિલ્હી  ધાર્મિક ભાવનાઓના અપમાન મામલે ઇન્દોરની જેલમાં બંધ કૉમેડિયન મુનવ્વર ફારુકીના વચગાળાના જામીન સુપ્રીમ કોર્ટે મંજૂર કરી દીધા છે.

આ સાથે જ જસ્ટિસ રોહિંટન ફલી નરીમનની બૅન્ચે મધ્ય પ્રદેશ સરકારને નોટિસ પાઠવી છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ફારુકીનું નિવેદન અને તેમના પર લગાવેલા આરોપો અસંગત છે અને અસ્પષ્ટ છે.સાથે જ કોર્ટે એવું પણ નોંધ્યું કે ધરપકડ માટે સીઆરપીસીની કલમ 41 (વિના વોરંટે ધરપકડ)નું પાલન કરવામાં આવ્યું નથી.એટલું જ નહીં સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારના પ્રૉડક્શન વોરંટને પણ અટકાવી દીધો છે

 

મધ્યપ્રદેશ હાઈકોર્ટની ઈંદૌર ખંડપીઠે ગુજરાતના કૉમેડિયન મુનવ્વર ફારુકીની જામીન અરજી પર આદેશ અનામત રાખ્યો હતો.

જજ રોહિત આર્યની સિંગલ બેન્ચે જણાવ્યું હતું, "તમે બીજા લોકોની ધાર્મિક ભાવનાઓનો અનુચિત લાભ કેમ ઉઠાવો છો? તમારી માનસિકતામાં એવું શું છે? પોતાના વ્યવસાયના હેતુ માટે તમે આ કેવી રીતે કરી શકો?"

જસ્ટિસ રોહિત આર્યે કહ્યું કે, "આવા લોકોને માફ કરવા ન જોઈએ. યોગ્યતાના આધારે હું આ આદેશ સુરક્ષિત રાખીશ."

મુનવ્વર ફારુકીની તરફેણ કરતાં વકીલ વિવેક ટંખાએ કહ્યું કે, "આ કેસમાં તેમણે કોઈ ગુનો કર્યો નથી. તેમને જામીન મળવા જોઈએ."

ઈંદૌર પોલીસે 1 જાન્યુઆરીના રોજ મુનવ્વર ફારુકીની ધરપકડ કરી હતી. તેમની સાથે બીજા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તેમનાં નામ છે ઍડવિન ઍન્થોની, પ્રખર વ્યાસ, પ્રીયમ વ્યાસ અને નલીન યાદવ.

બધા પર હિંદુ દેવી-દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ પર અભદ્ર ટિપ્પણી કરવાનો આરોપ છે.

મુનવ્વર ફારૂકી ઈંદૌરના 'મુનરો કાફે'માં કાર્યક્રમ માટે આવ્યા હતા. તે જ સમયે, 'હિંદ રક્ષક સંગઠન'ના નેતાઓ ત્યાં પહોંચી ગયા હતા અને હોબાળો મચાવ્યો હતો

(12:31 am IST)