મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

મરાઠા અનામત ગેરબંધારણીય : ૫૦%ની સીમાનું ઉલ્લંઘન

મરાઠા સમુદાયને નહિ મળે ૧૬ ટકા અનામત : સુપ્રિમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના ફેંસલાને રદબાતલ ઠેરવ્યો : સર્વોચ્ચ અદાલતે શિક્ષણ અને નોકરીમાં મરાઠા અનામતને ગેરબંધારણીય ગણાવ્યું : સીમાને ૫૦ ટકાથી વધારી ન શકાય : જો સીમાનું ઉલ્લંઘન થાય તો તે સમાનતાના મૌલિક અધિકારનો ભંગ ગણાય

નવી દિલ્હી તા. ૫ : મરાઠા અનામત અંગે સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં મરાઠા અનામતને ગેરબંધારણીય ગણાવ્યું છે. કોર્ટના નિયમ મુજબ હવે કોઇ પણ નવા વ્યકિતને મરાઠા અનામતના આધારે કોઇ નોકરી અથવા કોલેજમાં સીટ આપી શકાશે નહિ. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને રદબાતલ કર્યો છે.

સુપ્રિમ કોર્ટે કહ્યું કે, મરાઠા સમુદાયને કોટા માટે સામાજીક, શૈક્ષણિક રૂપથી પછાત ગણી શકાય નહિ. તે ૨૦૧૮ મહારાષ્ટ્ર રાજ્ય કાયદા સમાનતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. કોર્ટે કહ્યું કે, અમે ૧૯૯૨ના નિર્ણયની ફરી સમીક્ષા કરીશું નહિ. જેમાં અનામતના કોટા ૫૦ ટકા પર રોક લગાવી હતી.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની પીઠે નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મરાઠા અનામત ૫૦ ટકા સીમાનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટે મરાઠા અનામત પર મહારાષ્ટ્ર સરકારને મોટો ફટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠાઓ માટે ૧૬ ટકા અનામત આપવાના રાજય સરકારના નિર્ણયને રદ કરી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ઇન્દિરા સાહની મામલા પર ફરીથી વિચાર કરવાની જરૂર નથી.

બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારનારી અરજી પર પોતાના ચૂકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, અમને ઈન્દિરા સાહનીના નિર્ણય પર ફરી વિચાર કરવાનું કારણ નથી મળ્યુ.

જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતામાં જસ્ટિસ એલ નાગેશ્વર રાવ, જસ્ટિસ એસ અબ્દુલ નજીર, જજ હેમંત ગુપ્તા અને એસ જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટની ૫ ન્યાયાધીશની સંવિધાનીક પીઠે મામલા પર નિર્ણય સંભળાવ્યો છે.

૫ જજોની પીઠે ૪ અલગ અલગ નિર્ણય સંભળાવ્યો છે. પરંતુ તમામે માન્યુ કે મરાઠા સમુદાયને આરક્ષણ ન આપી શકાય. આરક્ષણ ફકત પછાત વર્ગને આપી શકાય. મરાઠા આ કેટેગરીમાં નથી આવતા. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે જસ્ટિસ ગાયકવાડ કમિશન અને હાઈકોર્ટ બન્નેએ અસાધારણ સ્થિતિમાં આરક્ષણ આપવાની વાત કરી છે. પરંતુ બન્નેએ ન જણાવ્યું કે મરાઠા આરક્ષણમાં અસાધારણ સ્થિતિ શું છે.

સંવિધાન પીઠના મામલામાં સુનવણી ૧૫ માર્ચ શરૂ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે જૂન ૨૦૧૯માં કાયદાને યથાવત રાખતા કહ્યુ હતુ કે ૧૬ ટકા આરક્ષણ યોગ્ય નથી અને રોજગારમાં આરક્ષણ ૧૨ ટકાથી વધારે ન હોવું જોઈએ અને નામાંકનમાં આ ૧૩ ટકાથી વધારે ન હોવું જોઈએ. હાઈકોર્ટે રાજયમાં શિક્ષણ સંસ્થાનો અને સરકારી નોકરિયોમાં મરાઠાઓ માટે આરક્ષણના નિર્ણયને યથાવત રાખ્યો હતો.

(3:04 pm IST)