મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

રાજસ્થાનના કોટાના ૫ દોસ્ત આપી રહ્યા છે કોરોના પીડિતોને નવી જિંદગી

૫ યુવાનોએ દર્દીઓની મુશ્કેલીઓને દૂર કરવાનું બીડું ઝડપ્યું: પોતાની લકઝરી કારોને ઇમરજન્સી હૉસ્પિટલ બનાવી દીધી

કોટા, તા. પ : રાજસ્થાનના કોટા શહેરમાં વધતા સંક્રમણના કારણે હૉસ્પિટલોમાં બેડ અને ઓકિસજન ઉપરાંત દવા અને ઇન્જેકશનની અછત ઊભી થતાં દર્દીઓના પરિજનોને ભટકવું પડી રહ્યું છે. આવી સ્થિતિમાં શહેરના ૫ યુવાનોએ દર્દીઓની મુશ્કેલીઓને દૂર કરવાનું બીડું ઝડપ્યું અને પોતાની લકઝરી કારોને ઇમરજન્સી હૉસ્પિટલ બનાવી દીધી. આ કારોમાં આ યુવાનો બેડ ઉપરાંત નિઃશુલ્ક ઓકિસજન આપીને દર્દીઓના જીવ બચાવવાનું કામ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.

મોજ મસ્તી અને ફરવાના કામ આવનારી આ લકઝરી કારો હવે દર્દીઓ અને તેમના પરિજનો માટે વરદાન સાબિત થઈ રહી છે. મંગળવારે પણ આ લકઝરી કારોમાં ૪ દર્દીઓને ઓકિસજન આપવામાં આવ્યો. બીજી તરફ, ૨ દર્દીઓના ઘર પર ઓકિસજન સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા. ૫ યુવાન મિત્રોની આ પહેલ કોરોનાના સંકટ કાળમાં લોકોનો જીવ બચાવવા માટે બીજાઓને પણ પ્રેરિત કરી રહી છે.વિજ્ઞાનનગર નિવાસી ૪૪ વર્ષીય ચંદ્રેશનું આર્ય સમાજ રોડ પર ગાડીઓનું સર્વિસ સેન્ટર છે. કોરોનાની બીજી લહેરમાં કોટામાં બગડતી સ્થિતિમાં દર્દીઓને બેડ અને ઓકિસજન માટે ભટકતા જોયા તો મનમાં તેમને મદદ કરવાનો વિચાર આવ્યો. ચંદ્રેશે સાંઈ મિત્ર મંડળના પોતાના ચાર દોસ્તો આશીષ સિંહ, ભરત, રવિ કુમાર અને આશુ કુમારનો સાથ લીધો. પાંચેય લોકોએ મળીને વિજ્ઞાન નગરના સાંઈ ચોકમાં ૩ લકઝરી કારોને ઊભી કરી ઇમરજન્સી હૉસ્પિટલ બનાવી દીધી. એક કારમાં ત્રણ દર્દીઓને ઓકિસજન ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દોસ્તો વિસ્તારમાં મેડિકલ વિભાગની ટીમોની જેમ ઘરે ્રઘરે જઈને ગંભીર દર્દીઓની નોંધણી કરે છે. એવા દર્દી જેમને હૉસ્પિટલમાં બેડ અને ઓકિસજન નથી મળતાં તેમને કારમાં ઓકિસજન આપવામાં આવે છે. બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કે દર્દીની કન્ડીશન ઠીક થાય ત્યાં સુધી કાર એમ્બ્યુલન્સમાં જ રાખવામાં આવે છે. આ ઉપરાંત એમ્બ્યુલન્સથી દર્દીઓને હૉસ્પિટલ તથા ડૉકટરના ઘર સુધી પણ પહોંચાડવામાં આવે છે. દર્દી દાખલ ન થાય ત્યાં સુધી કે ઘર પર ડૉકટર દ્વારા ચેકઅપ ન થવા સુધી એમ્બ્યુલન્સ ત્યાં ઊભી રહે છે. યુવાનોએ પોતાના મોબાઇલ નંબર ફ્રી સેવાઓ માટે સાર્વજનિક કરી દીધા છે. ત્યારબાદથી સતત દિવસ-રાત તેમની પર ફોન આવી રહ્યા છે.

(3:13 pm IST)