મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

કોરોના શરીર સાથે માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખતરનાકઃ દર પાંચમાંથી એક વયસ્કનું માનસિક આરોગ્ય કથળ્યું

મોટી ઉંમરના વડીલો વધુ નિરાશઃ ગભરાટ અને ચિંતા અનુભવતા હોવાનું આ અભ્યાસમાં સામે આવ્યું હતું

નવી દિલ્હી, તા.૫: કોરોના વાયરસની બીજી લહેર હજી પૂર્ણ થઈ નથી. પરંતુ કેટલાક રાજયોમાં સંક્રમણ પૂર્ણ થવાની આશાઓ સેવાઇ રહી છે. હજુ વાયરસને રોકવા કેટલો સમય લાગશે તે અંગે અત્યારથી કહેવું મુશ્કેલ છે. ત્યારે સરકાર કોરોના સંક્રમણને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન એક ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે. જે મુજબ મહામારી ફાટી નીકળી ત્યારથી અત્યાર સુધીમાં દર પાંચમાંથી એક વૃદ્ઘના માનસિક સ્વાસ્થ્ય અને ઊંદ્ય પર અસર થઈ છે.

આ સર્વે યુનિવર્સિટી ઓફ મિશિગનના ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થકેર પોલિસી એન્ડ ઇનોવેશન ઇન યુએસ દ્વારા કરવામાં આવ્યો છે. આ સર્વે મુખ્યત્વે હેલ્થ એજિંગ પર કરાયો હતો. જેમાં દર્શાવાયું હતું કે, માર્ચ ૨૦૨૦થી કોરોના મહામારીએ વયસ્કોના માનસિક સ્વાસ્થ્ય અને ઊંદ્ય પર સૌથી વધુ અસર કરી છે. દર પાંચ વયસ્કોમાંથી એક વયસ્ક કોરોના મહામારીના પહેલાંના સમય કરતાં અત્યારે વધુ બેચેન રહે છે.

આ અભ્યાસમાં ૫૦થી ૮૦ વર્ષની ઉંમરના ૨૦૦૦ વયસ્કોને સામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વે જાન્યુઆરી મહિનામાં અંતમાં કરાયો હતો. તે સમયે વૃદ્ઘો માટે રસીકરણની શરૂઆત થઈ હતી. મોટી ઉંમરના વડીલો વધુ નિરાશા(૨૮ ટકા), ગભરાટ (૩૪ ટકા) અને ચિંતા (૪૪ ટકા) અનુભવતા હોવાનું આ અભ્યાસમાં સામે આવ્યું હતું. આ ઉપરાંત ૬૪ ટકા વૃદ્ઘોને રાતે અનિંદ્રાની સમસ્યા પણ સતાવવા લાગી હતી.

આ અભ્યાસમાં ભાગ લેનાર ૮૦ ટકા વૃદ્ઘની માનસિક સ્વસ્થતા ૨૦ વર્ષ પહેલાં જેવી જ હતી. જોકે, ૨૯ ટકા લોકોએ લાઇફસ્ટાઇલમાં બદલાવ થયો હોવાનું કબુલ્યું હતું. તેમણે કસરત, ખાનપાનમાં ખાસ ધ્યાન આપવાની શરૂ કર્યું હતું. મિશિગન મેડિસિનના ગેરીટ્રિક સાઇકિયાટ્રિસ્ટ લોરેન ગેરલેચ કહે છે કે, મહામારીના નવા તબક્કામાં વૃદ્ઘ લોકોને રસી આપવામાં આવી રહી છે. આપણે માનસિક સ્વાસ્થ્યની તપાસ માટે પણ પ્રયાસ કરવા પડશે. લાંબા સમય સુધી તણાવની અસરોને ઓળખવા પગલાં લેવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે માનસિક સ્વાસ્થ્ય સંબંધી સારવાર મેળવવા માટે પડકારનો સામનો કરતા લોકો માટે આ મામલો ખૂબ મહત્વનો છે. સર્વેમાં ૭૧ ટકા લોકોએ સ્વીકાર્યું કે, ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્યના તજજ્ઞની સલાહ લેવાથી કયારેય ખચકાટ અનુભવશે નહીં. ૧૩ ટકા લોકોએ કહ્યું કે, તેઓ મહામારીની શરૂઆતના સમયથી માનસિક સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ વિશે તેમના ચિકિત્સક સાથે ચર્ચા કરી રહ્યા છે.

(3:52 pm IST)