મુખ્ય સમાચાર
News of Wednesday, 5th May 2021

IPL-૧૪ની બાકીની મેચો યોગ્ય સમયે રમાશે : રાજીવ શુક્લા

કોરોના વાયરસને લીધે IPLની સિઝન-૧૪ બ્રેક વાગી : અનેક ટીમોમાં કોરોના સંક્રમણના કેસ સામે આવ્યા બાદ બીસીસીઆઈએ આઈપીએલ સસ્પેન્ડ રાખવાનો નિર્ણય

નવી દિલ્હી, તા. ૫ : કોરોના વાયરસના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સીઝન પર બ્રેક લાગી છે. અનેક ટીમોમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ બીસીસીઆઈએ આઈપીએલ સસ્પેન્ડ રાખવાનો નિર્ણય લીધો છે. આઈપીએલ બંધ રહેવાના કારણે ક્રિકેટરસિકોમાં નિરાશાનું મોજું વ્યાપ્યું છે. ૯મી એપ્રિલથી શરૂ થયેલી આઈપીએલની આ સીઝનમાં ૨૯ મેચ રમાઈ હતી. ટુર્નામેન્ટની ૩૧ મેચ હજુ બાકી છે. આ સંજોગોમાં બાકીની મેચ ક્યારે રમાશે તેવો સવાલ થઈ રહ્યો છે જેનો જવાબ બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આપ્યો છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી, માત્ર ટાળવામાં આવી છે. રાજીવ શુક્લાએ કહ્યું કે, 'હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે, આઈપીએલને રદ્દ નથી કરવામાં આવી. તેને ટાળવામાં આવી છે. આઈપીએલ-૧૪ની બાકીની મેચ રમાશે. યોગ્ય સમયે, જ્યારે કોવિડની સ્થિતિમાં સુધારો આવશે, તો તે અંગે નિર્ણય લેવામાં આવશે.' 

તેમના કહેવા પ્રમાણે સસ્પેન્શનનું સૂચન કરતો રિપોર્ટ માત્ર ૫ દિવસ કે એક સપ્તાહ માટેનો છે એ વાત પણ સાચી નથી. ૫ દિવસ કે ૧ સપ્તાહ બાદ ટુર્નામેન્ટ ફરી શરૂ થશે તેવી અટકળો થઈ રહી છે તે પણ સંભવ નથી. 

 

(7:56 pm IST)