મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

૭મીએ ભાલાફેંકની ફાઇનલઃ નીરજ ચોપડા પાક.ના અરશદ નદીમને ટકકર આપશે

ભાલાફેંકની ફાઇનલમાં કુલ ૧૨ એથ્લેટસ કવાલીફાઇ થયા છેઃ જીત માટે ભારતનો એથ્લેટ પ્રબળ દાવેદાર : નરેન્દ્રભાઇએ નીરજને પ્રશ્ન કર્યો તમે ઇન્જરી પછી કેવી રીતે ભાલાફેંકમાં કમબેક કયુ ? જવાબમાં આ એથ્લેટસે કહ્યું વર્લ્ડ ચેમ્પિયન અને એશિયાઇ ચેમ્પિયનશીપને મિસ કર્યા બાદ મેં ટોકયો ઓલિમ્પિકમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું, કોરોનાની મહામારી છતા મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો હતો

નવી દિલ્હીઃ ક્રિકેટ હોય કે હોકી ઈન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે હાઇવોલ્ટેજ મેચ જોવા મળતી હોય છે. તેવામાં હવે ૭ ઓગસ્ટે ટોક્યો ઓલિમ્પિકની ભાલાફેંક સ્પાર્ધામાં પણ આ બંને દેશના પ્રતિદ્વંદ્વીદીઓ વચ્ચે સામ-સામે ટક્કર થશે. આ મેચમાં ભારતના નિરજ ચોપરા અને પાકિસ્તાની અરશદ નદીમ મેડલ રેસમાં અન્ય ૧૦ ખેલાડી સામે મેચ રમશે. તમને જણાવી દઇએ કે ભાલાફેંકની ફાઇનલ માટે કુલ ૧૨ એથ્લીટ્સ કવોલિફાઈ થયા છે, જેમાં આ બંને ખેલાડીનાં નામ પણ સામેલ છે.

 ટોક્યો ઓલિમ્પિકના ૧૨મા દિવસે ભારતના ભાલાફેંક એથ્લીટ (જૈવલિન થ્રોઅર) નીરજ ચોપડાએ પોતાના પહેલા પ્રયાસમાં શાનદાર પ્રદર્શન દાખવ્યું હતું. એણે ૮૬.૬૫ મીટર દૂર ભાલોફેંકીની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તેવામાં હવે નીરજ ચોપરાને પણ ગોલ્ડ મેડલ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે.

 ૨૩ જુલાઈથી ઓલિમ્પિક શરૂ થવાની હતી એની પહેલાં ભારત દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૩ જુલાઈએ એથ્લીટ્સ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન શ્રી મોદીએ નીરજને પૂછ્યું હતું કે તમે ઈન્જરી પછી કેવી રીતે ભાલા ફેંકમાં કમબેક કર્યું? તમારી ઓલિમ્પિક સફર અંગે થોડી માહિતી આપો.

નરેન્દ્રભાઇના સવાલનો જવાબ આપતા હરિયાણાનાં એથ્લીટ નીરજે કહ્યું હતું કે વર્લ્ડ ચેમ્પિયન અને એશિયાઈ ચેમ્પિયનશિપને મિસ કર્યા પછી મેં ટોક્યો ઓલિમ્પિક પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. ઈન્જરી પછી મેં મારી પ્રથમ પ્રતિયોગિતામાં ઓલિમ્પિક માટે કવોલિફાઈ કરી લીધું હતું. જોકે ગત વર્ષે ઓલિમ્પિકને કોરોના મહામારીના કારણે સ્થગિત કરાઈ હતી, પરંતુ મેં મારો અભ્યાસ ચાલુ રાખ્યો હતો.

 રેકોર્ડ તરફ નજર કરીએ તો ૨૩ વર્ષીય નીરજ ચોપરાએ વર્ષ ૨૦૧૮માં ઓસ્ટ્રેલિયામાં ગોલ્ડ કોસ્ટમાં રમાયેલી રાષ્ટ્રમંડળની ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આની પહેલા પણ નીરજે દક્ષિણ એશિયન ગેમ્સમાં ભારતીય રેકોર્ડ્સની બરાબરી કરતા ૮૨.૨૩ મીટર દૂર ભાલો ફેંકી ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. ૨૦૨૦મા એથ્લેટિકસ સેન્ટ્રલ નોર્થ ઈસ્ટ લીગમાં ૮૭.૮૬ મીટરનો થ્રો કરી નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં પ્રવેશ સુનિશ્ચિત કર્યો હતો. 

(11:02 am IST)