મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

સુપ્રિમ કોર્ટે હાઇકોર્ટનો ફેંસલો યથાર્થ ઠેરવ્યો

નપૂંસકતાના ખોટા આરોપો ક્રુરતા સમાન અને છૂટાછેડાનો આધાર

મહિલાને પતિ ઉપર ખોટા આરોપો મૂકવાનું મોંઘુ પડયું

નવી દિલ્હી તા. ૫ : છૂટાછેડાના એક કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે પતિ સામે નપુંસકતાના ખોટા આક્ષેપ કરવા ક્રુરતા સમાન છે અને તેના આધારે છૂટાછેડા આપી શકાય. આમ સુપ્રીમે દિલ્હી હાઇકોર્ટના એ આદેશને જેમનો તેમ રાખ્યો હતો. જેમાં હાઇકોર્ટે પણ નીચલી અદાલતનો ચૂકાદો માન્ય રાખ્યો હતો. જણાવી દઇએ કે મહિલાએ સુપ્રીમ કોર્ટમાં પતિ પર આરોપ લગાવ્યા પછી છૂટાછેડાના હુકમને રદ્દ કરવાની માંગણી કરી હતી.

જસ્ટીસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટીસ અનિરૂધ્ધ બોસની બેંચે દિલ્હી હાઇકોર્ટના ચૂકાદામાં ફેરફાર કરવાની ના પાડીને મહિલાની અરજી ફગાવી દીધી હતી, જેણે કોર્ટમાં પોતાના પતિ વિરૂધ્ધ આરોપ મુકયો હતો અને તેની અરજી પર અપાયેલ છૂટાછેડાના આદેશને પડકાર્યો હતો.

આ દંપતિના લગ્ન ૨૦૧૨માં થયા હતા. મહિલાના આ પ્રથમ લગ્ન હતા. જ્યારે પુરૂષ તે વખતે છૂટાછેડાવાળો હતો. પતિએ એવા આધાર પર છૂટાછેડાની અરજી કરી હતી કે તેની પત્નીને યૌન સંબંધોમાં રૂચી નથી અને લગ્ન વખતે મહિલાની માનસીક અવસ્થા અંગેની માહિતીઓ છૂપાવવામાં આવી હતી. તેણે કહ્યું હતું કે, જો તેને આ અંગે જાણકારી હોત તો તે લગ્ન માટે રાજી ના થાત.

ત્યાર પછી મહિલાએ પોતાની પ્રતિક્રિયામાં આરોપ મુકયા કે તેનો પતિ નપુંસકતાની તકલીફથી પીડાય છે અને લગ્ન ના ચાલવાનું અસલ કારણ એ જ છે. આ ઉપરાંત તેના સાસુ - સસરા ઝઘડાખોર છે અને દહેજની માંગણી કરે છે. મહિલાએ એવો પણ આરોપ મુકયો કે દહેજ માંગવાની સાથે તેના સાસરીયાઓએ તેની સાથે ક્રુરતાભર્યો વ્યવહાર કર્યો અને તેના પતિએ સાસુ - સસરાની સામે જ તેની સાથે બહુ મારપીટ કરી. મહિલાએ હાઇકોર્ટમાં નીચલી અદાલતના છૂટાછેડાને મંજૂર કરતા હુકમને રદ્દ કરવાની માંગણી કરીને કહ્યંુ કે તે વૈવાહિક બંધનને બચાવવા માંગે છે.

દિલ્હી હાઇકોર્ટના આ ચુકાદા પછી પત્નીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખટાવ્યો અને દલીલ કરી કે ક્રુરતાના આધારે છૂટાછેડાનો હુકમ રદ્દ કરવામાં આવે અને તેને આપસી સંમતિથી છૂટાછેડા લેવાની પરવાનગી આપવામાં આવે. પણ તેની દલીલનો તેના પતિના વકીલે જોરદાર વિરોધ કર્યો હતો.

(12:43 pm IST)