મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

જીવન કિંમતી છે, જો નિયમ નહીં માનો તો પૂર્ણ લોકડાઉન લગાવવું પડશે

ઓરિસ્સાના સીએમ પટનાયકની જનતાને ભાવુક અપીલ : રાજય સરકારે ૧ ઓગસ્ટથી પાબંધીઓમાં રાહત આપી છે

ભુવનેશ્વર,તા.૫: ઓરિસ્સાના સીએમ નવીન પટનાયકે જનતાને ભાવુક અપીલ સાથે કહ્યું કે જીવન કિંમતી છે. આપણા વ્યવહારથી ત્રીજી લહેરને રોકી શકાશે. હું તમારો સહયોગ ઈચ્છું છું.

કોરોનાની બીજી લહેરમાં રાહત મળતા ઓરિસ્સામાં અનલોકની પ્રક્રિયા ચાલી રહી છે. તેને લઈને સરકારે નાગરિકોને લોકડાઉનને લઈને ચેતવણી આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે કોરોનાના નિયમોનું ઉલ્લંઘન થશે તો સરકાર સંપૂર્ણ લોકડાઉન લાવી શકે છે. અનેક સ્થાનો પર વધતી ભીડનો તેઓએ ઉલ્લેખ કર્યો છે. રાજય સરકારે ૧ ઓગસ્ટથી પાબંધીઓમાં રાહત આપી છે.

તેઓએ કહ્યું કે ઓરિસ્સાએ આવી સ્થિતિનો સામનો કર્યો નથી જે અન્ય રાજયોએ કર્યો છે. વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે કે ત્રીજી લહેર જલ્દી આવી શકે છે. જો લાગશે કે કોરોનાના નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી તો સરકાર પૂર્ણ લોકડાઉન કરવા મજબૂર રહેશે. સીએમએ કહ્યું કે સરકાર સ્થિતિ પર બારીકીથી નજર રાખી રહી છે. વાયરસ હજુ પણ આસપાસ છે અને તેમાં એક અલગ વેરિઅન્ટની વધારે ગંભીર હુમલો કરવાની પણ ક્ષમતા છે.

તેઓએ કહ્યું કે ઓરિસ્સાએ જીવન અને આજિવિકાની વચ્ચે સંતુલન બનાવવા માટે અનલોકની પ્રક્રિયા શરૂ કરી છે. તમે ફેસ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સિંગ અને સાફ સફાઈનું ધ્યાન રાખશો તો ત્રીજી લહેરની શકયતાને ઘટાડી શકાય છે. આ સાથે ડોકટર્સ અને સ્વાસ્થ્ય કર્મીઓની સેવાઓને કારણે પણ કોરોનાની બીજી લહેરમાં મદદ મળી છે. ખાસ અપીલમાં કહ્યું કે જીવન કિંમતી છે. આપણો વ્યવહાર જ ત્રીજી લહેરને રોકી શકે છે. હું ઓરિસ્સાને સુરક્ષિત રાખવા માટે દરેકનો સહયોગ ઈચ્છુ છું. પોતાના પ્રિયજનોની સુરક્ષાનું ધ્યાન રાખો અને જીવન અને આજીવિકાને સુરક્ષિત રીતે ચલાવો.

એક માહિતિ અનુસાર રાજયનું ભૂવનેશ્વર શહેર દેશનું પહેલું એવું શહેર છે જયાં કોરોનાના વિરોધમાં ૧૦૦ ટકા વેકસીનેશન થયું છે. આ સિવાય એક લાખ પ્રવાસી મજૂરોને પણ વેકિસનનો પહેલો ડોઝ અપાયો છે. અહીં ૧૦૦ ટકા વસ્તીનું વેકિસનેશન થયું છે. ઓરિસ્સામાં કોરોના સંક્રમણના કુલ ૯ લાખ ૮૦ હજાર ૮૬૬ કેસ આવી ચૂકયા છે. જેમાંથી ૬૧૦૨ દર્દીના મોત થયા છે. રાજયમાં ૧૨૬૭૬ દર્દીની સારવાર ચાલી રહી છે. તો ૯ લાખ ૬૨ હજાર ૦૮૮ દર્દી સ્વસ્થ થઈ ચૂકયા છે.

(2:35 pm IST)