મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

સોના-ચાંદીમાં નરમાઇનો માહોલ : રૂપિયામાં મજબૂતી : બ્રેન્ટ ક્રૂડ સાપ્તાહિક ઘટાડા તરફ

રૂપિયામાં બે દિવસના ઘટાડાના ટ્રેન્ડથી વિપરીત ચાલ દર્શાવતા 33 પૈસાનો ઉછાળો

નવી દિલ્હીઃ દિલ્હીમાં સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 56 રૂપિયા જેટલા સામાન્ય ઘટીને 51,770 રૂપિયા થયા હતા. તેની સામે રૂપિયો વધ્યો હતો. અગાઉના દિવસે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે 51,826 રૂપિયા પર બંધ આવ્યો હતો.

ચાંદી પણ પ્રતિ કિલોએ 738 રૂપિયા ઘટીને 69,109 પરથી 68,731 થઈ હતી. એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્લેષક તપન પટેલે જણાવ્યું હતું કે નવી દિલ્હીમાં 24 કેરેટના હાજર સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે માંડ 56 રૂપિયા ઘટ્યો હતો.

રૂપિયાએ બે દિવસના ઘટાડાના ટ્રેન્ડથી વિપરીત ચાલ દર્શાવતા 33 પૈસાનો ઉછાળો નોંધાવતા તે અમેરિકન ડોલર સામે 73.14 પર બંધ આવ્યો હતો. તેની સામે સ્થાનિક ઇક્વિટી બજાર 634 પોઇન્ટ ઘટીને 38,357.18 પર બંધ આવ્યો તો. જ્યારે નિફ્ટી 193.60 ઘટીને 11,333.85 પર બંધ આવ્યો હતો.

વૈશ્વિક બજારમાં સોનું હાલમાં પ્રતિ ઔંસ 1,935 પર ટ્રેડ થઈ રહ્યુ છે અને ચાંદી પ્રતિ ઔંસ 26.71 ડોલરે ટ્રેડ થઈ રહી છે. તેમણે ઉમેર્યુ હતું કે આર્થિક વૃદ્ધિને લગતી ચિંતાએ ડોલરની વૃદ્ધિને બ્રેક મારી હતી અને સોનાના ભાવને ટેકો આપ્યો હતો.

ભારતમાં પણ કોરોનાના કેસોમાં દૈનિક ધોરણે વૃદ્ધિ જારી રહેતા સોનાના ભાવને ટેકો મળવાનો જારી રહ્યો હતો. એમસીએક્સ પર સોનાનો વાયદો પ્રતિ દસ ગ્રામ 168 રૂપિયા વધીને 50,910 થયો હતો. ચાંદીનો વાયદો 0.13 ટકા કે 84 રૂપિયા વધી પ્રતિ કિલોગ્રામ 67,010 રૂપિયા થયો હતો.

(12:00 am IST)