કોરોનાનો દર્દી ૧૦ કિ. મી. સાઇકલ ચલાવી હોસ્પિટલ પહોંચ્યો
શહડોલ, તા.૫: મધ્ય પ્રદેશના શહડોલ જિલ્લાના પાંડવ નગર વિસ્તારમાં રહેતી એક વ્યકિતનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યા બાદ એણે પોતે ૧૦ કિ. મી. સાઇકલ ચલાવી હોસ્પિટલ પહોંચવું પડયું હોવાનો કિસ્સો જાણવા મળ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર શહડોલ જિલ્લાના પાંડવ નગર વિસ્તારમાં રહેનારા ધર્મેન્દ્ર સેનનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ એ અને એના પરિવારના લોકો ગભરાઇ ગયા હતા.
આ વાતની જાણ આસપાસના લોકોને થયા બાદ પડોશીઓ દ્વારા એના પર હોસ્પિટલમાં દાખલ થઇ જવા માટે દબાણ થવા માંડયું.
નજીકની મેડિકલ હોસ્પિટલમાંથી દાખલ થવા માટે એને ફોન તો આવ્યો, પણ હોસ્પિટલમાંથી એમબ્યુલન્સ ન મોકલાઇ. એમણે વારંવાર ફોન કરીને એમબ્યુલન્સ મોકલવાની માગણી કરી, પણ જયારે એમબ્યુલન્સ ન આવી ત્યારે કોરોનાનો એ દરદી ૧૦ કિ. મી. સાઇકલ ચલાવી હોસ્પિટલ પહોંચ્યો હતો.