મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

સરકાર કોરોના સામે મજબૂત લડાઇ લડી રહી છેઃ કોઇ કચાશ નહી રાખવાની નેમઃ વિજયભાઇનું સતત મોનીટરીંગઃ લોકો ચિંતા ન કરે

ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ અને રાજકોટ માટેના ખાસ સચિવ રાહુલ ગુપ્તા અકિલાના આંગણે : રાજકોટવાસીઓ કાળજી રાખે, ચિંતા ન રાખે : કોઇપણ સ્થિતિને પહોંચી વળાશે જયંતી રવિ : લોકો ધારે (પૂરતી કાળજી) તો બે અઠવાડિયામાં કોરોનાના કેસમાં ઘટાડો થઇ શકે છે

જયંતી રવિ અકિલામાં : આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિ (આઇએએસ) કોરોના સામેની લડતને વધુ મજબૂત બનાવવા છેલ્લા કેટલાક દિવસથી રાજકોટમાં સતત મુકામ કરી માર્ગદર્શન આપી રહ્યા છે. આજે સવારે તેમણે અકિલાની શુભેચ્છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સરકાર દ્વારા કરવામાં આવેલી આરોગ્ય વિષયક સંદર્ભે વિગતવાર ચર્ચા કરેલ. તેમણે અકિલા લાઇવ ફેસબુક પર પણ રસપ્રદ વાતો કરેલ હતી. રાજકોટ માટે ખાસ નિયુકત થયેલા પૂર્વ કલેકટર અને વર્તમાન ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તાએ પણ આરોગ્ય સંબંધી ચર્ચા કરી હતી. આ પ્રસંગે અકિલા પરિવારના ડો. અનિલ દશાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૫ : ગુજરાતમાં કોરોના મહામારી સામે અડિખમ યોધ્ધા બની મોરચો સંભાળી રહેલા આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિ તથા રાજકોટની કોરોનાલક્ષી કામગીરીના સંકલન માટે ખાસ નિયુકત થયેલા સચિવ અને રાજ્યના ઉદ્યોગ કમિશનર તથા રાજકોટના પૂર્વ કલેકટર શ્રી રાહુલ ગુપ્તાએ આજે 'અકિલા'ની શુભેચ્છા મુલાકાત લઇ અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કોરોનાની પરિસ્થિતિ અને સરકારી વ્યવસ્થા બાબતે વિસ્તૃત ચર્ચા કરેલ. તેમણે સરકાર દ્વારા પરિસ્થિતિને પહોંચી વળવા પૂરતી વ્યવસ્થા હોવાનું જણાવી રાજકોટવાસીઓ ચિંતા ન રાખે પણ કાળજી રાખે તેવો અનુરોધ કર્યો હતો.

અગ્રસચિવ જયંતી રવિએ અકિલાના આંગણે જણાવેલ કે, કોરોનાએ વૈશ્વિક મહામારી છે. સમગ્ર વિશ્વમાં આ બિમારી ફેલાઇ ગઇ છે. ગુજરાતમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રોજેરોજ કોર કમિટિની બેઠકમાં નાનામાં નાની બાબતોની સમીક્ષા થઇ રહી છે. એકદમ ઝીંણવટભર્યા મુદ્દા ધ્યાને લઇ ચિંતા કરવામાં આવતી હોય તેવું ગુજરાત કદાચ એકમાત્ર રાજ્ય હશે. દવા, વેન્ટીલેટર, ડોકટરો, દર્દીઓ માટેની પથારી વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. સુરતમાં ૧૫ દિવસમાં ૧૦ હજાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. એક બેડમાં કોરોનાના ૧થી વધુ દર્દીને રાખવા પડે એવો એક પણ બનાવ બન્યો નથી.

તેમણે જણાવેલ કે, કોરોના સામે લડવા સરકારી વ્યવસ્થા ઉપરાંત લોકોની ભૂમિકા અગત્યની છે. લોકોએ હેન્ડવોશ, માસ્ક જેવી બાબતો પર પૂરતુ ધ્યાન આપવું જોઇએ. જે રીતે અમદાવાદ - સુરતમાં ટીમ કામે લાગેલ તે જ રીતે રાજકોટમાં પણ આરોગ્યની ટુકડીઓ કામે લાગી છે. સર્વેલન્સની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. ૧૦૦ ટીમ ઘરે - ઘરે જઇ લોકોના આરોગ્ય બાબતે જાણકારી મેળવી રહી છે. ઓકિસજન સ્તર માપવા માટેના પલ્સઓકઝીમીટર ૬૦૦ની સંખ્યામાં હતા તે વધારીને ૨૦૦૦ વસાવામાં આવ્યા છે. જે વ્યકિતમાં ઓકિસજનનું પ્રમાણ ૯૦થી  ઓછું જોવા મળે તેને સારવાર આપવામાં આવે છે. લોકોએ પેટ નીચે રાખીને સૂવાની ટેવ પાડવી જોઇએ. આ રીતે સૂવાથી ઓકિસજનનું પ્રમાણ જાળવવામાં મદદ મળે છે. રાજકોટમાં છેલ્લા અઠવાડિયામાં કેસ વધતા અમદાવાદ - સુરતથી ટુકડીઓ ઉતારવામાં આવી છે. ત્રણ જિલ્લાના આરોગ્ય અધિકારીઓ રાજકોટ શહેર - જિલ્લામાં છે. ઘરે - ઘરે જઇને જનઆરોગ્યની તપાસ ઉપરાંત ઘર આંગણે તબિબિ સારવાર આપવા

માટે ધનવંતરી રથ ફરી રહ્યા છે. પૂર્વ સાવચેતી પર વધુ ધ્યાન આપ્યું છે. સીસીટીવી કેમેરાથી અમે પણ દર્દીઓ સાથે સંપર્કમાં છીએ.

જયંતી રવિએ એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે રાજકોટવાસીઓ ચિંતીત ન રહે પરંતુ પાબંદી જરૂર રાખે. બહુ જરૂર સિવાય બહાર ન નિકળવું જોઇએ. હેન્ડવોશ, સોશિયલ ડિસ્ટીન્શ, માસ્ક વગેરે બહુ મહત્વની બાબત છે. તાવ જેવા લક્ષણ હોય તો જ રિપોર્ટ પોઝિટિવ આવે તેવું જરૂરી નથી. કયારેક હળવા લક્ષણોને કારણે ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવી શકે છે. આવા દર્દીઓએ પોતાની જાતને અલાયદી રાખવી તે તેની ફરજ અને તેની જવાબદારી છે. કોઇ વિદેશથી કે બહારથી આવે તો તેનાથી અંતર જાળવવું જોઇએ, વારંવાર હાથ ધોવા જોઇએ. હાઇસુગર, હાઇર્ટ પ્રોબ્લેમ, એચઆઇવી વગેરેના દર્દીઓ તેમજ સગર્ભા મહિલાઓએ વિશેષ કાળજી રાખવાની જરૂર છે. રાજકોટમાં વેન્ટીલેટરની કોઇ અછત નથી. સરકારે ફાળવેલા વધુ ૧૦૦ વેન્ટીલેટર આવી ગયા છે. આપણે ત્યાં ૬૦૦ પથારીઓ ખાલી છે. ખાનગી હોસ્પિટલોને પણ ઉપયોગ કરવા માટે જોઇએ તો વેન્ટીલેટર આપી શકીશું. રાજકોટમાં હમણાં ૬૪ હજાર પરિવારોને સર્વે થઇ ગયો છે. આરોગ્યની ટીમ ઘરે આવે ત્યારે તેને સહકાર આપો.

 લક્ષણ હોય તો છૂપાવાને બદલે સામેથી જાણ કરવી જોઇએ. રાજકોટ માટે પૂરતી વ્યવસ્થા છે. જેમ અમદાવાદમાં ખૂબ કેસ વધ્યા પછી ઘટાડો થઇ ગયો છે તે રીતે લોકો ધારે તો મતલબ પૂરતી કાળજી રાખી સહકાર આપે તો રાજકોટમાં પણ બે અઠવાડિયામાં કેસ મોટા પ્રમાણમાં ઘટવાનું શકય છે.

આરોગ્ય વિભાગની ટીમ સતત ૧૮૦ દિ'થી ખડેપગે

રાજકોટ : રાજ્યમાં કોરોનાનો પહેલો કેસ ૧૯ માર્ચે મળ્યો ત્યારથી અત્યાર સુધી અને તે પહેલાના કેટલાક દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે લડાઇ ચાલી રહી છે. ડોકટરો, તબિબિ સ્ટાફ, અધિકારીઓ વગેરે સતત ૧૮૦ દિવસથી કોરોના સામે મક્કમ લડત સાથે ઝઝુમી રહ્યા છે. તેમને સહકાર આપવા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતી રવિએ લોકોને અપીલ કરી છે.

૪૯ વેન્ટીલેટર ઉપયોગમાં, ૧૫૨ તૈયાર : રાહુલ ગુપ્તા

રાજકોટ : કોરોનાની પરિસ્થિતિના સંકલન માટે રાજકોટ માટે ખાસ નિયુકત થયેલા પૂર્વ કલેકટર અને વર્તમાન ઉદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તાએ એક પ્રશ્નના જવાબમાં જણાવેલ કે, સરકાર દ્વારા પૂરતા વેન્ટીલેટરની વ્યવસ્થા છે. હાલ રાજકોટમાં ૪૯ દર્દીઓ માટે વેન્ટીલેટરનો ઉપયોગ ચાલુ છે. બાકીના ૧૫૨ જેટલા વેન્ટીલેટર તૈયાર રાખવામાં આવ્યા છે જરૂર મુજબ ઉપયોગ કરી શકાશે. સરકાર દ્વારા કોરોનાના દર્દીઓ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ચિંતાનું કોઇ કારણ નથી.

કોરોના માટે ૩ હેલ્પ લાઇન છે, જરૂર ઉપયોગ કરો

રાજકોટ : આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ જણાવેલ કે, સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલોમાં બેડની ઉપલબ્ધ વ્યવસ્થા, દાખલ થયેલા દર્દીઓની સ્થિતિ વગેરે બાબતે ત્રણ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવી છે. કંટ્રોલ રૂમ કાર્યરત છે. તેમાં લોકો સંપર્ક કરી શકે છે. મો. ૯૪૮૪૬ ૦૮૫૧૪ / ૯૩૨૮૯ ૭૧૧૫૫.

કોરોનાની રસી આવશે, અત્યારે જનજાગૃતિ એ જ રસી : જેનેકા નામની કંપનીની બે ટ્રાયલ આખરી તબક્કે

રાજકોટ : આજે અકિલાના આંગણે આવેલા રાજ્યના આરોગ્ય વિભાગના વહિવટી વડા શ્રીમતિ જયંતી રવિએ કોરોનાની રસી અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આ બાબતે ઘણો રસ લઇ રહ્યા છે. ગુજરાતની કેડિલા કંપની દ્વારા રસીના સંશોધનની કામગીરી ચાલે છે. ઉપરાંત જેનેકા નામની કંપનીની બે ટ્રાયલ આખરી તબક્કામાં છે. કાવી નામની વૈશ્વિક સંસ્થા જીનિવામાં કાર્યરત છે તેની સાથે પણ સંપર્કમાં છીએ. રસી કયારે તૈયાર થશે તેનો સમય અત્યારે કહેવો મુશ્કેલ છે, અત્યારે તો રોગચાળા પ્રત્યેની લોકોની સાક્ષરતા જ રસીનું કામ કરી શકે તેમ છે. લોકો કોરોનાની ગંભીરતા સમજી ગાઇડલાઇનનું પાલન કરે અને આરોગ્યની ટીમને સહકાર આપે તેવી અમારી અપીલ છે.

કોરોનાના મૃત્યુના આંકડામાં વિસંગતતાની માન્યતા ખોટી : મિડીયાને રોજ સવારે ઇ-મેઇલથી સંકલિત માહિતી અપાશે

રાજકોટ : આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો. જયંતી રવિએ જણાવેલ કે, કોરોનાના મૃત્યુના રાજ્ય સરકાર અને રાજકોટના તંત્રના આંકડામાં તફાવત અંગે જે માન્યતા ઉભી થઇ છે તે ખોટી છે. ઘણા કિસ્સામાં કોરોનાનું સંક્રમણ થયું હોય તેવા લક્ષણ હોય પણ રિપોર્ટ નેગેટિવ આવે અથવા રિપોર્ટ આવવાનો હોય તે પહેલા દર્દીનું મૃત્યુ થઇ જતું હોય છે તેને પણ પ્રાથમિક તબક્કો કોરોના હતો તેમ માની તેના અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવે છે. આંકડામાં વિસંગતતા આવે તે માટે હવે દરરોજ સવારે ઇ-મેઇલ દ્વારા મિડીયાને આંકડાઓ સાથેની વિગતવાર માહિતી આપવામાં આવશે.

(3:17 pm IST)