મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

રાજકોટમાં કોરોના સદી તરફઃ ગઇકાલે ૪૮૦૭ સેમ્પલ પૈકી સૌથી વધુ ૯૪ કેસ નોંધાયા હતાઃ આજે નવા ૪૩ કેસ

શહેરનો કુલ આંક ૩૬૧૬એ પહોંચ્યોઃ ગઇકાલે ૩૧ દર્દીઓએ કોરોનાને હરાવતા કુલ ૧૭૮૩ દર્દીઓ ડીસ્ચાર્જ થતા રીકવરી રેટ ૪૯.૯૦ થયો : આજ સુધીમાં કુલ ૭૯૫૩૨ ટેસ્ટ થયા

રાજકોટ,તા.૫: સમગ્ર ભારતમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે તેમા રાજકોટ પણ બાકાત રહ્યો નથી. શહેરમાં ગઇકાલે ૪૮૦૭ સેમ્પપલ પૈકી ૯૪ કેસ નોંધાયા હતા. આજે બપોરે વધુ ૪૩ રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ આંક ૩૬૧૬ થયો છે.તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરન્ટાઇન કરવા સહીતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવાં તંત્ર વાહકો, નાગરિકે તમામ મોરચે, એડી ચોટીનું જોર લગાવીને પ્રયાસો કરી રહ્યા છે. છતાં કોરોના કેસ ઓછા થવાનું નામ નથી લેતા છેલ્લા સાત દિવસથી કોરોનાનાં આંકમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે આજ દિન સુધીનાં એક જ દિવસમાં ગઇકાલે સૌથી વધુ ૪૮૦૭ લોકોનાં ટેસ્ટ કરવામાં આવતા રેકોર્ડ બ્રેક  ૯૪ કેસ નોંધાયા હતા. 

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૬૧૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૧૭૮૩ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૪૯.૯૦ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૮૦૭ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૯૪ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૯૫ ટકા થયો  હતો. જયારે ૩૧ દર્દીઓને સાજા થયા હતા.  છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૭૯,૫૩૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૬૧૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૪.૪૯  ટકા થયો છે.

આમ, શહેરમાં ગત શનીવરથી દિવસને દિવસે કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સદી તરફ આગળ વધી રહ્યો છે.

(3:21 pm IST)