મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

રોજેરોજ ખરીદીની ઝંઝટથી મુકત થવા ભાઈએ ટ્રક ભરીને ચોખા ઓર્ડર કર્યા

નવી દિલ્હી,તા.૫ : એક વિચિત્ર ઘટનામાં ઘરની જરૂરિયાતો માટે લગભગ રોજેરોજ ચોખા લેવા બજારમાં જવાની ઝંઝટથી મુકત થવા એક ભાઈએ ટ્રક ભરીને ચોખાનો ઓર્ડર આપી આવ્યા. મજા તો ત્યારે આવી જયારે આ ટ્રક ભરેલા ચોખા ડિલિવર થયા. આટલા બધા ચોખા રાખવા કયાં?

ચોખા ભરેલી ટ્રકની ડિલિવરી થતાં જ તેની પત્નીનો ગુસ્સો ફાટ્યો. આ ઘરમાં તો ધરાર ચોખાની ગૂણ નહીં રહી શકે એવું પત્નીનું ફરમાન આવતાં ટ્રક-ડ્રાઇવરને ચોખા પાછા લઈ જવાનું કહી જોયું, પણ પેલો ટસનો મસ ન થયો. રકઝક કરવાની કોશિશ પછી પણ ડ્રાઇવર ન માનતાં તેણે વેરહાઉસના માલિક સાથે વાત કરવાની કોશિશ કરી, પણ પેલાએ ફોન જ ન ઉપાડ્યો. પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયાસમાં વેરહાઉસના જ મનુ નામના માણસનો સંપર્ક કરાયો જેણે ઘટનાસ્થળે આવીને કોકડું ઉકેલવાની ખાતરી આપી, આ આખી ઘટના શિવ રામદાસ નામના લેખકે શેર કરી છે અને આ ઘટના તેના સાળા સાથે બની છે એવું પણ કહ્યું છે. આ કોકડું ઉકેલાયું કે નહીં એની સ્પષ્ટતા તો નથી કરી, પરંતુ હવે તેમના સાળાને રોજ ખરીદી કરવા જવા સામે કોઈ વાંધો નથી.

(2:42 pm IST)