મુખ્ય સમાચાર
News of Saturday, 5th September 2020

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ તહેરાન જવા રવાના : ઈરાની સમકક્ષ સાથે કરશે મુલાકાત

ઈરાની સમકક્ષ બ્રિગેડિયર જનરલ અમીર હાતમી સાથે વાતચીત કરશે.

ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની રશિયા પ્રવાસ સમાપ્ત થઈ ગયો છે અને તે ભારત પરત જતા પહેલા હવે તહેરાન જઈ રહ્યા છે. રાજનાથ સિંહ તેહરાનમાં તેમના ઈરાની સમકક્ષ સાથે મુલાકાત કરશે. રાજનાથ સિંહે શાંઘાઈ સહકાર સંગઠન (એસસીઓ), સામૂહિક સુરક્ષા સંધિ સંગઠન (સીએસટીઓ) અને કોમનવેલ્થ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ્સ (સીઆઈએસ) ના સંરક્ષણ પ્રધાનોની સંયુક્ત બેઠકમાં ભાગ લેવા રશિયન રાજધાની મોસ્કોની મુલાકાત લીધી હતી. મોસ્કો જતા પહેલા જ તેમણે કહ્યું હતું કે તહેરાનમાં તેઓ તેમના ઈરાની સમકક્ષ બ્રિગેડિયર જનરલ અમીર હાતમી સાથે વાતચીત કરશે.

આના એક દિવસ પહેલા, તેમણે ફારસની ખાડીના દેશોને પરસ્પર સન્માનના આધારે વાટાઘાટો કરીને તેમના મતભેદોનું સમાધાન લાવવા વિનંતી કરી હતી. રાજનાથ સિંહે એસસીઓના સંરક્ષણ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા રશિયાના ત્રણ દિવસીય પ્રવાસ પર હતા. આ સમયગાળા દરમિયાન તેમણે રશિયા, ચીન અને મધ્ય એશિયન દેશોના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરી હતી. રાજનાથ સિંહે એક ટ્વિટમાં કહ્યું, 'મોસ્કોથી તેહરાન જવા રવાના. હું ઈરાની સંરક્ષણ પ્રધાન બ્રિગેડિયર જનરલ આમિર હાતમીને મળીશ. "

(7:35 pm IST)