મુખ્ય સમાચાર
News of Wednesday, 5th October 2022

શિવજીએ સપનામાં આદેશ આપ્‍યો એટલે ગળું વેંતરી નાંખ્‍યું

અંધશ્રધ્‍ધામાં હેવાનોએ ચડાવી માસૂમની બલી : દક્ષિણ દિલ્‍હીની લોધી કોલોનીમાં શનિવારે રાત્રે બે લોકોએ નશાની હાલતમાં ૬ વર્ષના છોકરાનું ગળું કાપી નાખ્‍યુ હતું

નવી દિલ્‍હી,તા. ૫ : દેશની રાજધાનીમાં એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. રાજધાની નવી દિલ્‍હીના પોશ વિસ્‍તાર લોધી કોલોનીમાં ‘ભગવાનને બલિ' ચડાવવાના નામે ૬ વર્ષના માસૂમની હત્‍યા કરી નાંખવામાં આવી છે. આ બાળકના બંને હત્‍યારાઓની દિલ્‍હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

દિલ્‍હી પોલીસ અનુસાર, ઘટના શનિવારે રાતે પોશ લોધી કોલોનીમાં સેન્‍ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) હેડક્‍વાર્ટરના નિર્માણ સ્‍થળ પર ઘટી હતી. ઘટના બાદ હત્‍યાના બંને આરોપીઓને સ્‍થાનિક લોકોએ ઝડપી પાડ્‍યા.

આ બંને હત્‍યારાઓનું કહેવું હતું કે શંકર ભગવાને તેમની પાસે એક બાળકની બલિ માંગી હતી. આ જ કારણે તેમણે માસૂમનું ગળુ કાપીને હત્‍યા કરી નાંખી. હાલ પોલીસે માસૂમ બાળકના શબને એમ્‍સ મોર્ચરીમાં મોકલી આપ્‍યો છે. ઘટનાસ્‍થળ પરથી તે ચાકુ પણ જપ્ત કરવામાં આવ્‍યું છે જેના દ્વારા માસૂમની હત્‍યા કરવામાં આવી હતી.

હકીકતમાં ૧ ઓક્‍ટોબરની રાતે દક્ષિણ દિલ્‍હીની લોધી કોલોનીના CRPF હેડક્‍વાર્ટરની અંદર કેટલાંક મજૂરો ભજન કિર્તનનો કાર્યક્રમ કરી રહ્યાં હતા. તેટલામાં જ જાણ થઇ કે ૬ વર્ષનો ધર્મેન્‍દ્ર ક્‍યાંક ગુમ થઇ ગયો છે. તે બાદ લોકોએ તેની શોધખોળ શરૂ કરી. ત્‍યારે જ ધર્મેન્‍દ્રના પિતાએ એક ઝુંપડીમાંથી લોહી વહેતું જોયુ. જયારે તેઓ અંદર ગયા તો બે યુવક બાળકને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતા. આ બંનેના કપડા પણ લોહીથી ખરડાયેલા હતા. આ જોઇને બાળકના પિતાએ હોબાળો મચાવ્‍યો. જે બાદ આસપાસના લોકોએ આરોપી વિજય કુમાર અને અમર કુમારને ઝડપી પાડ્‍યા.

તે બાદ CRPFના એક કર્મચારીએ લોધી કોલોની પોલીસને ફોન કરીને આ મામલે જાણકારી આપી. જે બાદ પોલીસકર્મીઓએ ઘટનાસ્‍થળ પર પહોંચીને બંનેની ધરપકડ કરી હતી. ધરપકડના સમયે બંને આરોપી નશાની હાલતમાં હતા. બંને બિહારના રહેવાસી છે. જયારે પીડિત પરિવાર યુપીના બરેલીનો રહેવાસી છે. પીડિત પરિવાર નિર્માણ સ્‍થળ પર મજૂરીનું કામ કરતો હતો. પોલીસે જણાવ્‍યું કે બાળક આરોપીઓને જાણતો હતો. આરોપીઓની પરિવાર સાથે કોઇ દુશ્‍મની ન હતી. શનિવારની રાતે આશરે ૧૦.૩૦ વાગ્‍યે જયારે બાળક પોતાની ઝૂંપડીમાં જઇ રહ્યો હતો ત્‍યારે બંને આરોપી તેને ફોસલાવીને પોતાની સાથે લઇ ગયા અને ઘટનાને અંજામ આપ્‍યો.

(10:32 am IST)