ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ્સ સ્વીકારે છે આ ચાવાળો
મુંબઇ,તા. ૫: ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા ટ્વિટર પર અવારનવાર તેમના ફોલોઅર્સ માટે રસપ્રદ વિડિયો પોસ્ટ કરતા રહે છે. હાલમાં તેમણે એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં બેન્ગલોરનો એક નાનકડો ટી-સ્ટોલ ધરાવતો યુવક પોતાના વ્યવસાયમાં મોડર્ન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ સ્વીકારે છે. આ ટી-સ્ટોલના માલિકનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરતાં તેમણે કેપ્શન આપી હતી, ‘આ છે નવું ભારત'. તેમની આ પોસ્ટને અસંખ્ય લાઇક્સ અને કમેન્ટ્સ મળી છે.
નેટિઝન્સે તેમની પોસ્ટ પર તરત પ્રતિક્રિયા આપતાં એક યુઝરે લખ્યું કે વધુ એક ચાવાળો જે સમયની સાથે આગળ વધવામાં માને છે.
આ ટી-સ્ટોલના માલિકની ઓળખ શુભમ સૈની તરીકે થઈ છે, જે ‘ફ્રસ્ટ્રેટેડ ડ્રોપઆઉટ'નામે પોતાનો ટી-સ્ટોલ ચલાવે છે. હર્ષ ગોએન્કાની પોસ્ટનો જવાબ વાળતાં તેણે તેમનો આભાર માનતાં કહ્યું કે મારા નાના સાહસની મદદથી આપણે સાથે મળીને ચોક્કસ નવા ભારતનું સપનું સાકાર કરીશું. સત્તાવાર વેબસાઇટ અનુસાર શુભમ સૈની ક્રિપ્ટો ટ્રેડર છે, જેણે બેચલર્સ-ઇન-કમ્પ્યુટર એપ્લિકેશન્સ કોર્સનો અભ્યાસ છોડ્યા પછી ટી-સ્ટોલ શરૂ કર્યો હતો.