મુખ્ય સમાચાર
News of Thursday, 6th May 2021

વધુ એક ઓક્સિજન કાંડ: તમિલનાડુની હોસ્પિટલમાં ઓક્સિજન નહિ મળતા ૧૩ દર્દીએ જીવ ગુમાવ્યા: હાહાકાર : ઉત્તરાખંડમાં પણ ૫ દર્દીના પ્રાણવાયુ વિના મોત

ચેન્નાઇ/દહેરાદૂનઃ તમિલનાડુમાં એક રાતમાં ૧૩ દર્દીના ઓક્સિજનના અભાવે મોત થતાં ખળભળાટ મચ્યો છે. પરીણામો આવ્યા બાદ હવે રાજ્યની નવી સરકાર સામે  કોરોનામાં લોકોના મોતની આફત આવી પડી છે.

તમિલનાડુ અને ઉત્તરાખંડમાં મળી એક રાતમાં જ ૧૮ કોરોનાગ્રસ્તોના મોત થયાના અહેવાલ છે. પરંતુ આંકડા છુપાવવામાં વ્યસ્ત સરકારી તંત્ર આ વાતનો ઇનકાર કરી રહ્યું છે. તમિલનાડુમાં ૧૩ અને ઉત્તરાખંડમાં ૫ દર્દીના ઓક્સિજન નહીં મળવાને કારણે મોત નીપજ્યાંનું કહેવાઇ રહ્યું છે.

તમિલનાડુના ચેંગલપેટ જિલ્લાની સરકારી હોસ્પિટલમાં રાતોરાત ૧૩ કોરોના દર્દીનાં મોત (થતાં લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. પરિવારે ઓક્સિજનની અછતનો મામલો ઉઠાવ્યો છે જ્યારે જિલ્લા કલેક્ટરનો દાવો છે કે ઓક્સિજનની અછત નહીં પણ તેના સપ્લાયની જે પાઇપ હોય તેમાં ટેક્નીકલ ખામીને કારણે દર્દીઓના મોત નિપજ્યા હતા. પાઇપમાં આ ખામી કેવી રીતે સર્જાઇ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

કલેક્ટરે એવો પણ દાવો કર્યો છે કે આ હોસ્પિટલમાં ૨૩ દર્દીઓ હતા તેમાં માત્ર એક જ કોરોના દર્દી હતો. સરકારે હાલ તો તપાસ કરી રહ્યા હોવાના દાવો કરી હાથ ઉચા કરી લીધા છે. બીજી તરફ ચેન્નાઇમાં અનેક હોસ્પિટલોમાં હજુ પણ ઓક્સિજનની મોટી અછત હોવાના રિપોર્ટ સામે આવ્યા છે.

મદ્રાસ હાઇકોર્ટે પણ કોરોના મહામારી માટે ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું છે.

ઉત્તરાખંડની રુડકી હોસ્પિટલમાં એક મહિલા સહિત કોરોનાના પાંચ દર્દીઓના મોડી રાત્રે મોત નિપજ્યા હતા. હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર આ ઘટના મોડી રાત્રે દોઢથી બે વાગ્યાની વચ્ચે બની હતી.

જે લોકો માર્યા ગયા તેમાં ચાર ઓક્સિજન સપોર્ટ પર જ્યારે એક વેન્ટિલેટર પર હતા. આ ઘટનાની મેજિસ્ટ્રેટ સ્તરની તપાસના આદેશ આપી સરકારે સંતોષ માન્યો છે.

(2:16 pm IST)