મુખ્ય સમાચાર
News of Friday, 6th August 2021

મુકેશ અંબાણીને ફટકો : ફયુચર - રિલાયન્સ ડીલ અટકી

રૂ. ૨૪૭૩૧ કરોડની રિલાયન્સ - ફયુચર ડીલ ખતરામાં : સુપ્રિમ કોર્ટે અમેરિકી કંપની એમેઝોનની તરફેણમાં આપ્યો ફેંસલો : સિંગાપુરના આબિટ્રેશન કોર્ટના ફેંસલાને યોગ્ય ઠેરવ્યો : આ કોર્ટે ડીલ ઉપર સ્ટે મૂકયો હતો

નવી દિલ્હી તા. ૬: મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ અને કિશોર બિયાનીના ફયુચર ગ્રુપ વચ્ચેના ૨૪,૭૩૧ કરોડ રૂપિયાના સોદામાં મુકેશ અંબાણીને મોટો આંચકો લાગ્યો છે. આ સોદાની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં થઈ હતી. સુપ્રીમ કોર્ટે એમેઝોનની તરફેણમાં ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ કેસમાં ઇમરજન્સી આર્બિટ્રેટરનો નિર્ણય લાગુ કરવા યોગ્ય છે. ઇમરજન્સી આર્બિટ્રેટરે  ફયુચર રિટેલના સોદા પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં કહ્યું કે રિલાયન્સ રિટેલ સાથે ફયુચર રિટેલનો ૩.૪ અબજ ડોલરનો સોદો આર્બિટ્રેટરના નિર્ણયને લાગુ કરવા માટે યોગ્ય છે. આર્બિટ્રેટરે આ ડીલ પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો જે અંતર્ગત ફયુચર રિટેલે પોતાનો સમગ્ર વ્યવસાય રિલાયન્સ રિટેલને વેચી દીધો હતો.એમેઝોને રિલાયન્સ અને ફયુચર ગ્રુપ વચ્ચેની આ ડીલનો અલગ અલગ કોર્ટમાં વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેટર સેન્ટરને ઇમરજન્સી આર્બિટ્રેટર કહેવામાં આવે છે.

સિંગાપોર ઇન્ટરનેશનલ આર્બિટ્રેટરે ઓકટોબર ૨૦૨૦માં રિલાયન્સ અને ફયુચર ગ્રુપ વચ્ચેના સોદા પર સ્ટે ઓર્ડર જારી કર્યો હતો. આ સાથે ત્રણ સભ્યોની પેનલ પણ બનાવવામાં આવી હતી. અત્યાર સુધી આ પેનલે પોતાનો રિપોર્ટ રજૂ કર્યો નથી. ઓગસ્ટ ૨૦૨૦માં રિલાયન્સ રિટેલે ફયુચર ગ્રુપના રિટેલ, જથ્થાબંધ, લોજિસ્ટિકસ અને વેરહાઉસિંગ વ્યવસાયો ખરીદવાની જાહેરાત કરી.

એમેઝોને ડિસેમ્બર ૨૦૧૯ માં ફયુચર રિટેલની પ્રમોટર કંપની ફયુચર કૂપન્સમાં ૪૯ ટકા હિસ્સો ખરીદ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૦ માં, જયારે ફયુચર ગ્રુપે રિલાયન્સ રિટેલને પોતાનો સમગ્ર રિટેલ બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો ત્યારે એમેઝોને તેનો વિરોધ કર્યો હતો. એમેઝોને કહ્યું કે આ ફયુચર-એમેઝોન વચ્ચેના કરારની વિરુદ્ઘ છે. આ પછી એમેઝોને આ સોદા વિરુદ્ઘ જુદી જુદી અદાલતોમાં અપીલ દાખલ કરી હતી. ઓકટોબરમાં SIAC એ એમેઝોનની તરફેણમાં પોતાનો ચુકાદો આપ્યો.

આ સમાચાર બહાર આવ્યા બાદ રિલાયન્સના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે ૧૧.૪૫ વાગ્યે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શેર ૨.૪૮ ટકા મુજબ રૂ. ૫૨.૮૫ ઘટીને રૂ. ૨,૦૮૧.૪૦ ના સ્તરે આવી ગયો. રિલાયન્સના ઘટાડાને કારણે બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સમયે સેન્સેકસ ૨૨૦ પોઈન્ટના ઘટાડા સાથે ૫૪,૨૭૨.૪૩ ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.

(3:08 pm IST)