મુખ્ય સમાચાર
News of Saturday, 6th August 2022

મજૂરને એસએમએસ આવ્‍યો : ખાતામાં રૂા. ૨,૭૦૦ કરોડ બેલેન્‍સ છે

લખનઉ તા. ૬ : ઉત્તર પ્રદેશના કન્નૌજના કમલપુર ગામના રહેવાસી એક મજૂરને તેની જિંદગીનો સૌથી મોટો આંચકો ત્‍યારે મળ્‍યો હતો જયારે એને એમ જણાવવામાં આવ્‍યું હતું કે એના જન ધન બેન્‍ક એકાઉન્‍ટમાં બેલેન્‍સ રકમ રૂ. ૨,૭૦૦ કરોડ છે.

આ મજૂરનું નામ છે બિહારી લાલ અને તે રાજસ્‍થાનમાં એક ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે. પરંતુ ચોમાસાને કારણે કારખાનું બંધ થઈ જતાં એ તેના વતનમાં પાછો ફર્યો હતો. એ તેના જન ધન બેન્‍ક એકાઉન્‍ટમાંથી ૧૦૦ રૂપિયા ઉપાડવા ગયો હતો. એણે પૈસા લીધા ત્‍યારબાદ એને તેના ફોન પર એક એસએમએસ આવ્‍યો હતો કે એના ખાતામાં બેલેન્‍સ રકમ છે રૂ. ૨,૭૦૦ કરોડ. વાંચીને એને આંચકો લાગ્‍યો હતો. માનવામાં આવ્‍યું નહોતું. એણે તરત જ મેનેજરનો સંપર્ક કર્યો હતો, જેમણે તેના ખાતામાં રૂ. ૨૭,૦૭,૮૫,૧૩,૯૮૫ બેલેન્‍સ હોવાની પુષ્ટિ કરી હતી. મજૂરે બેન્‍ક મેનેજરને કહ્યું હતું કે તે એકાઉન્‍ટ ત્રણ વાર ચેક કરે. દરેક વખતે એને બેલેન્‍સ રકમ રૂ. ૨,૭૦૦ કરોડ બતાવવામાં આવી હતી.

ત્‍યારબાદ બિહારીલાલે નજીકમાં બેન્‍કની બીજી શાખામાં જઈને તેનો એકાઉન્‍ટ ચેક કરાવ્‍યો હતો તો ત્‍યાં એને જણાવાયું હતું કે એના ખાતામાં રૂ. ૧૨૬ બેલેન્‍સ રકમ છે. આ છબરડા વિશે સંબંધિત બેન્‍કે તપાસ હાથ ધરાવી છે.

(10:59 am IST)