મુખ્ય સમાચાર
News of Saturday, 6th August 2022

સંજય રાઉત જેલમાં ગયા પછી ઉધ્‍ધવ ઠાકરેએ સંભાળી ‘સામના'ની કમાન

ઉધ્‍ધવ ઠાકરે બન્‍યા સામનાના સંપાદક

મુંબઇ, તા.૬: શિવસેનાના રાજયસભાના સાંસદ અને પક્ષના મુખ્‍ય પ્રવકતા સંજય રાઉત જેલમાં ગયા પછી શિવસેના પ્રમુખ ઉધ્‍ધવ ઠાકરેએ પક્ષના મુખપત્ર ‘સામના'ની કમાન સંભાળી લીધી છે. મળતી માહિતી અનુસાર, ઉધ્‍ધવ ઠાકરે હવે સામનામાં પ્રકાશિત થનાર તંત્રી લેખ જાતે લખશે. પાત્રાચોલ કૌભાંડમાં જેલ જનારા સંજય રાઉત તંત્રી પદેથી ગયા પછી ઉધ્‍ધવે આ પગલુ લીધુ છે. આ બાબતે પક્ષનું કહેવુ છે કે પક્ષ પ્રમુખ ઉધ્‍ધવ ઠાકરે પહેલા પણ ‘સામના'નું એડીટીંગ કરી ચૂકયા છે. એટલે ઉધ્‍ધવ માટે આ કોઇ નવી જવાબદારી નથી.

માહિતી અનુસાર, શુક્રવારે પ્રકાશિત થયેલ સામનાના અંકમાં એડીટર તરીકે ભૂતપૂર્વ સીએમ ઉધ્‍ધવ ઠાકરેનું નામ લખાયુ છે. ‘સામના'ની શરૂઆત બાલ ઠાકરેએ ૧૯૮૯માં કરી હતી. પોતાના તંત્રી લેખમાં મરાઠી માણસ અને પછી હિંદુત્‍વનો નારો બુલંદ કરનારા બાળાસાહેબ ઠાકરેએ પોતે આ અખબારના એડીટર તરીકે કામ કર્યુ હતું.

નવેમ્‍બર ૨૦૧૨માં બાલ ઠાકરેના મૃત્‍યુ પછી ઉધ્‍ધવ ઠાકરેને ‘સામના'ના સંપાદક બનાવાયા હતા પણ ૨૦૧૯માં મહારાષ્‍ટ્રના મુખ્‍યપ્રધાન બન્‍યા પછી ઉધ્‍ધવ ઠાકરેએ ‘સામના'ની કમાન પોતાની પત્‍નિ રશ્‍મિના હાથોમાં સોંપી હતી.

(11:30 am IST)