મુખ્ય સમાચાર
News of Saturday, 6th August 2022

વિધિની વક્રતા:સાપ કરડવાથી મોટાભાઈનું મૃત્યુ થતા વિધિમાં આવેલ નાનાભાઈનું પણ સાપે ડંખ દેતા મોત

24 કલાકમાં સર્પદંશ એટલે કે સાપના ડંખવા થી બે સગા ભાઈઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ

મોટા ભાઈની અંતિમ વિધિ માટે દૂરથી આવેલ નાના ભાઈને પણ રાત્રે સૂતી વખતે સાપે જ ડંખ માર્યો હતો. તેની તબિયત બગડતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તેનું પણ અકાળે મૃત્યુ થયું હતું. 24 કલાકમાં સર્પદંશ એટલે કે સાપના ડંખવા થી બે સગા ભાઈઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

ઉત્તર પ્રદેશના બલરામપુર જીલ્લામાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. લાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનિયાપુર ગામમાં ઝેરી સાપના ડંખથી બે સગા ભાઈઓના મોત થયા હતા. લુધિયાણા માં રહેતો એક ભાઈ બીજા ભાઈના અંતિમ સંસ્કાર કરવા ગામમાં આવ્યો હતા. અંતિમ સંસ્કાર બાદ તે ગામમાં જ રોકાયો હતો.

આ ગમખ્વાર ઘટના લાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ભવનિયાપુર ગામની છે. ઘટના અંગે પોલીસ સ્ટેશનના સીઓ રાધા રમણ સિંહે જણાવ્યું કે, 2 ઓગસ્ટના રોજ અરવિંદ મિશ્રા (38)ને સાપે ડંખ માર્યો હતો. તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને ત્યાંથી તેને બહરાઈચ રીફર કરવામાં આવ્યો. જોકે બહરાઈચમાં સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. આ દરમિયાન અરવિંદ મિશ્રા ના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા બુધવારે લુધિયાણાથી અહીં પહોંચેલા તેના નાના ભાઈ ગોવિંદ મિશ્રા (32) અને તેમના સંબંધી ચંદ્રશેખર પાંડે અંતિમ સંસ્કાર પછી ગામમાં ઘરે જ રોકાયા હતા.

પોલીસે જણાવ્યું કે, બુધવારે રાત્રે સૂતી વખતે ઝેરી સાપે ગોવિંદ મિશ્રા અને ચંદશેખર પાંડે ને પણ ડંખ માર્યો હતો. તેમની પણ તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગોવિંદ મિશ્રાનું મૃત્યુ થયું હતું. ગોવિંદ મિશ્રાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જ્યારે ચંદ્રશેખર પાંડેની હાલત હજી નાજુક છે.

ઘટનાની જાણ થતાં ચીફ મેડિકલ ઓફિસર અને વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં ધારાસભ્ય કૈલાશ નાથ શુક્લાએ મૃતકના પરિજનોને મળ્યા અને તેમને સાંત્વના આપી અને સરકાર તરફથી આર્થિક મદદ‌ની ખાતરી પણ આપી છે.

(3:05 pm IST)