મુખ્ય સમાચાર
News of Wednesday, 5th October 2022

મધ્યપ્રદેશમાં ગરબા સ્થળ પર પથ્થરમારો કરવાના આરોપી ત્રણ વિધર્મીઓના ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવાયા

4.5 કરોડથી વધુની કિંમતના ત્રણ આરોપીઓના બાંધકામને ગેરકાયદેસર તોડી પાડવામાં આવ્યું

મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ગરબા પંડાલમાં બે જૂથો વચ્ચે ઝઘડા બાદ પથ્થરમારો થયો હતો. પોલીસે 19 લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાંથી ત્રણ લોકોના મકાનો ગેરકાયદે બાંધકામો તરીકે તોડી પાડવામાં આવ્યા છે. એક પોલીસ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે જિલ્લાના સીતામૌ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરજની ગામમાં 2 ઓક્ટોબરની રાત્રે પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. તેમણે કહ્યું કે ગરબા પંડાલમાં બે જૂથો વચ્ચેના વિવાદ બાદ પથ્થરમારો થયાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. પોલીસ અધિક્ષક (SP) અનુરાગ સુજાનિયાએ પત્રકારોને જણાવ્યું હતું કે 19 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તેમાંથી સાતની તપાસ બાદ અટકાયત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કેટલાક આરોપીઓ રીઢો ગુનેગાર છે.

  એસપીએ જણાવ્યું કે, મંગળવારે મહેસૂલ વિભાગની મદદથી ત્રણેય આરોપીઓના 4,500 ચોરસ ફૂટથી વધુના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે, જેની કિંમત 4.5 કરોડ રૂપિયાથી વધુ છે. પંડાલ પર પથ્થરમારો કરવાના સંબંધમાં ભારતીય દંડ સંહિતાની વિવિધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સલમાન નામનો વ્યક્તિ મોટરસાઇકલ પર સ્ટંટ કરી રહ્યો હતો અને તેની અને અન્ય વ્યક્તિ વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં સલમાન અને તેના સહયોગીઓ તે વ્યક્તિની શોધમાં ગરબા સ્થળ પર પહોંચ્યા અને મામલો પથ્થરમારામાં ફેરવાઈ ગયો. દૈનિક ભાસ્કર અનુસાર શિવલાલ પાટીદાર નામના વ્યક્તિએ સલમાન ખાનના પિતાને ફરિયાદ કરી હતી કે તે જે રીતે મોટરસાઇકલ ચલાવતો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે પછી, 2 ઓક્ટોબરની રાત્રે, સલમાન તેના સાથીઓ સાથે તે વ્યક્તિની શોધમાં એક ગરબા સ્થળ પર પહોંચ્યો.

(12:41 am IST)