માતા સોનિયા ગાંધીના બુટની દોરી બાંધતા નજરે પડયા રાહુલ
લાંબુ ચાલવાની ના પાડી કારમાં બેસાડયા
નવી દિલ્હી, તા.૬: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી કર્ણાટકમાં ગુરુવારે ભારત જોડો યાત્રામાં જોડાયા. આ દરમિયાન તેમણે રાહુલ ગાંધી સાથે પદયાત્રા પણ કરી. પદયાત્રા દરમિયાન રાહુલ ગાંધી કયારેક તેમની માતાના ખભા પર હાથ મૂકતા જોવા મળ્યા, તો કયારેક તેઓ તેમની માતા સોનિયા ગાંધીના બુટની દોરી બાંધતા નજરે પડ્યા. સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધી રહેલો ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકો રાહુલ ગાંધીના વખાણ પણ કરી રહ્યા છે. શશિ થરૂરે પણ આ ફોટો શેર કર્યો છે. સોનિયા ગાંધી કર્ણાટકના માંડ્યામાં રાહુલ ગાંધીના નેતળત્વમાં નિકળેલી આ પદયાત્રામાં જોડાયા હતા. સોનિયા ગાંધી થોડીવાર રાહુલ ગાંધીની સાથે પગપાળા ચાલ્યા. કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે કર્ણાટકના પાંડવપુરાથી નાગમંગલા તાલુકા સુધી જશે. સોનિયા ગાંધીના બૂટની દોરી બાંધી રહેલો ફોટો શશિ થરુરે શેર કર્યો છે. તેમણે લખ્યું કે, તે શ્વાસ પણ લે છે તો તેમાં પણ દુવાઓ હોય છે. માં તો માં હોય છે. સાથે કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી પણ આ ફોટો શેર કરવામાં આવ્યો છે. સોનિયા ગાંધી એવા સમયે કોંગ્રેસની પદયાત્રામાં સામેલ થયા, જ્યારે પાર્ટીમાં અધ્યક્ષ પદને લઈને ઘમાસણ ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ૧૭ ઓક્ટોબરે ચૂંટણી યોજાવાની છે.