મુખ્ય સમાચાર
News of Monday, 6th December 2021

ઓનર કિલિંગ : ઔરંગાબાદના ગોઇગાંવમાં બની એક હૃદયદ્રાવક ઘટના : યુવકે મોટી બહેનનું માથું કાપી નાખીને પોલીસ સ્ટેશન પહોચ્યો : માતાએ પણ આ ઘટનામાં પુત્રનો સાથ આપ્યો

ઔરંગાબાદ : મહારાષ્ટ્રમાં એક હૃદયદ્રાવક ઘટનામાં, એક 18 વર્ષીય યુવકે તેની માતા સાથે મળીને તેની મોટી બહેનનું માથું કાપી નાખ્યું. આ પછી, તે માથા સાથે સેલ્ફી લઈને, તેને પરિચિતોના વોટ્સએપ ગ્રુપમાં શેર કર્યો. જીવ ગુમાવનાર છોકરીનો એક માત્ર દોષ એ હતો કે તેણે પોતાની મરજીથી લગ્ન કર્યા હતા. પોલીસે હત્યા કરનાર માતા-પુત્રની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રવિવારે બપોરે બની હતી.

સંકેત એસ મોટે (18) અને માતા શોભા એસ મોટે (40)એ ઔરંગાબાદના વૈજાપુર તહસીલના ગોઇગાંવમાં તેની બહેનની હત્યા કરી હતી. સેલ્ફી લીધા પછી, વોટ્સએપ ગ્રૂપ પર ફોટા શેર કર્યા અને થોડીવાર માથું રાખીને ફર્યા પછી, બંને નજીકના પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ ઓનર કિલિંગનો મામલો છે.

જાણવા મળ્યું છે કે સંકેતની મોટી બહેન કીર્તિ (19) તેના જ ગામમાં રહેતા બોયફ્રેન્ડ અજય (23) સાથે 21 જૂનના રોજ જાણ કર્યા વિના ઘર છોડીને નીકળી ગઈ હતી. બાદમાં તેઓએ પુણેના આલંદીમાં લગ્ન કર્યા અને ત્યાં રહેવા લાગ્યા. આ ઘટનાને યુવતીના પરિવારજનો દ્વારા અપમાન તરીકે લેવામાં આવી હતી. થોડા દિવસો પહેલા કીર્તિ અને અજય ગામમાં પરત ફર્યા હતા. માહિતી મળતાં ભાઈ સંકેત અને તેની માતા, બહેન કીર્તિને મળવા તેના સાસરે ગયો હતો.

શરૂઆતમાં, તેણે વ્યક્ત કર્યું કે તે સંબંધોમાં કડવાશ ભૂલી ગયો છે અને તેની બાજુથી બધું સામાન્ય થઈ ગયું છે. થોડી વાર પછી કીર્તિ તેના માટે ચા-નાસ્તો બનાવવા રસોડામાં ગઈ ત્યારે માતા અને ભાઈ પણ તેની પાછળ ગયા. ત્યાં માતા અને ભાઈએ કીર્તિને જમીન પર પછાડી, માતાએ પુત્રી કીર્તિના પગ પકડ્યા ત્યારે ભાઈ સંકેતે તિક્ષ્ણ હથિયાર વડે તેનું ગળું કાપી નાખ્યું હતું. આ પછી મા-દીકરો ગળું કાપીને પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં તેઓએ આત્મસમર્પણ કર્યું હતું. પતિ અજયની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે.

(8:50 pm IST)