મુખ્ય સમાચાર
News of Tuesday, 6th December 2022

૧૯૦૦ કરોડના શંકાસ્‍પદ વ્‍યવહારો મળ્‍યાઃ સાત સ્‍થળોએ આયકર ખાતાની તપાસ યથાવત

રત્‍નકલા એક્‍સપોર્ટ બાદ સુરત ઇન્‍કમટેક્‍સનું બીજું સૌથી સફળ ઓપરેશન : છેલ્લા ચાર દિવસથી હીરાઉદ્યોગકાર, ફાઇનાન્‍સર અને જમીન દલાલને ત્‍યાં ચાલતી તપાસ

મુંબઇ,તા.૬ : સુરત ઇન્‍કમટેક્‍સ વિભાગે નવસારી અને સુરતની રત્‍નકલા એક્‍સપોર્ટ પર પાડવામાં આવેલા દરોડામાં ૨ હજાર કરોડથી વધુના બેનામી વ્‍યવહારો મળી આવ્‍યા હતા. ત્‍યારબાદ હાલમાં પાડવામાં આવેલા દરોડામાં હીરાઉદ્યોગકાર, ફાઇનાન્‍સર અને જમીન દલાલને ત્‍યાંથી ૧૯૦૦ કરોડના શંકાસ્‍પદ વ્‍યવહારો મળી આવ્‍યા છે. તેમજ હજુ પણ સાત જગ્‍યા પર સુરત ઇન્‍કમટેક્‍સના ડીઆઇ વિંગના અધિકારીઓ દ્વારા તપાસ યથાવત્‌ રાખવામાં આવી છે.

આવકવેરા વિભાગની ડીઆઇ વિંગે દક્ષિણ ગુજરાતમાં મતદાનના બીજા દિવસે જ હીરા ઉદ્યોગકાર ધાનેરા ડાયમંડ, ભાવના જેમ્‍સના સંચાલકો અને ભાગીદારોના ઘર ઓફિસ અને કારખાના તેમજ રીઅલ એસ્‍ટેટ ફાઇનાન્‍સર રમેશ વઘાસિયા અને નરેશ વીડિયોને ત્‍યાં મળી કુલ ૩૦ ઠેકાણે સર્ચની કાર્યવાહી કરી હતી. આવકવેરા વિભાગે કોઇને શક નહીં થાય તે માટે સર્ચ માટે અધિકારીઓની ગાડી પર ઓન ઇલેક્‍શન ડયૂટીનો પોસ્‍ટર ચોંટાડી દીધા હતા. વિભાગની કાર્યવાહીમાં અત્‍યાર સુધી મોટા પાયે સફળતા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. શુક્રવારે વહેલી સવારે શરૂ કરવામાં આવેલી કાર્યવાહી હીરા ઉદ્યોગકારોના ઘરે અને ઓફિસ પર ચોથા દિવસે મોડી રાત સુધી જારી રહી હતી.

આવકવેરા વિભાગના અધિકારી છેલ્લા ચાર-પાંચ મહિનાથી તૈયારી કરી રહ્યા હતા અને ચોક્કસ માહિતીને લીધે ધાનેરા ડાયમંડ અને ભાવના જેમ્‍સની સિક્રેટ ઓફિસો પણ શોધી કાઢી હતી. તમામ સ્‍થળો પરથી આવકવેરા અધિકારીઓએ હીરા ખરીદી-વેચાણના હિસાબો, આવક અને ખર્ચની વિગતો, રોકાણ સંબંધિત દસ્‍તાવેજો, રોકડમાં લેવડ-દેવડના હિસાબો અને લોન સંબંધિત દસ્‍તાવેજો અને કોમ્‍પ્‍યૂટર તેમજ ડિજિટલ પુરાવાઓ જપ્ત કર્યા છે. ફાઇનાન્‍સરને ત્‍યાંથી પણ કરોડો રૂપિયાના સોદાના દસ્‍તાવેજો જપ્ત કરવામાં આવ્‍યા છે. (૨૨.૭)

૨૦ કરોડની રોકડ અને જવેલરી અત્‍યાર સુધી જપ્‍ત

ધાનેરા ડાયમંડથી જપ્ત કરાયેલા દસ્‍તાવેજોનો આંકડો રવિવારે ૯૦૦ કરોડ રૂપિયા સુધીનો હતો, જયારે સોમવારે વધુ ડોક્‍યુમેન્‍ટ મળી આવતા તે આશરે ૧૫૦૦ કરોડ પર પહોંચ્‍યો છે જયારે ભાવના જેમ્‍સથી પણ વિભાગે આશરે ૪૦૦ કરોડ રૂપિયાના હિસાબી દસ્‍તાવેજો જપ્ત કરવામાં આવ્‍યા છે. તપાસમાં અત્‍યાર સુધી ૧૯૦૦ કરોડના આર્થિક દસ્‍તાવેજો જપ્ત કરાયા છે. જયારે ૨૦ કરોડની રોકડ અને જવેલરી પણ સીઝ કરવામાં આવી છે. મંગળવારે સાંજ સુધીમાં તપાસ પૂરી થાય તેવું માનવામાં આવી રહ્યું છે. જપ્ત કરાયેલા તમામ દસ્‍તાવેજોનું એસેસમેન્‍ટ આગામી દિવસોમાં કરવામાં આવશે.

આવક દર્શાવવા માટે અલગ અલગ ચોપડા રાખવામાં આવતા

હીરાની બંને પેઢીઓ દ્વારા આવકવેરા વિભાગમાં દર્શાવવા માટે તેમજ આવક નહીં દર્શાવવા માટે અલગ અલગ ચોપડા તૈયાર કરતી હતી. આ ચોપડાઓને પોતાની ખાનગી જગ્‍યા પર છુપાવવા માટે જ બંને હીરાની પેઢી ભાવના જેમ્‍સ અને ધાનેરા ડાયમંડે અલગ જગ્‍યા પર ઓફિસ રાખી હતી. તેમજ તેઓની સાથે સંકળાયેલા કેટલાક વ્‍યક્‍તિઓ દ્વારા આપવામાં આવેલા રોકડ નાણાંનો હિસાબ પણ જપ્ત કરાયેલા દસ્‍તાવેજમાંથી મળી આવ્‍યો છે. જેથી આગામી દિવસોમાં તેઓની સાથે સંકળાયેલાએ અન્‍ય વ્‍યક્‍તિઓ સામે પણ આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી થવાની શક્‍યતા સેવાઇ રહી છે.

(11:03 am IST)