મુખ્ય સમાચાર
News of Tuesday, 7th February 2023

વિદેશ પ્રવાસ હવે મોંઘો પડશે.. પેકેજમાં સીધો ૨૦ ટકાનો વધારો ઝીંકી દેવાયો

એપ્રિલથી અમલવારી છતાં બજેટના નામે પ્રવાસીઓને લૂંટવાનું શરૂ :ટીસીએસ અને જીએસટીમાં વધારો કરવા બજેટમાં થયેલી જોગવાઇની અસર

નવી દિલ્‍હી,તા. ૭ : વિદેશમાં ફરવા જનારાઓ પાસેથી ટેક્‍સ વધુ વસૂલ કરવાની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. તેના કારણે વિદેશના ટૂર પેકેજમાં સીધો ૨૦ ટકાનો વધારો થઇ ગયો છે.

વિદેશ ટૂર પેકેજ માટે પહેલા પાંચ ટકા જીએસટી વસૂલ કરાતો હતો તેના બદલે હવે ૧૦ ટકા અને ટીસીએસ (ટેક્‍સ કલેકશન સોર્સ) પણ પહેલા પાંચ ટકા હતો તેમાં પણ સુધારો કરીને ૨૦ ટકા ટીસીએલ વસુલ કરવામાં આવશે. જો કે આ નિયમ એક એપ્રિલથી લાગુ થવાનુ છે. પરંતુ મોટાભાગ ટૂર ઓપરેટરોએ તેનો અમલ તાત્‍કાલીક જ કરી દીધો છે.

વેકેશન માટેના ટૂર પેકેજ બુક અત્‍યારથી જ કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ મે વેકેશન ઉપરાંત અનેક લોકો હનીમુન ટૂર માટે પણ હવે દેશના બદલે વિદેશ પ્રવાસ જવાનું વધુ પસંદ કરી રહ્યા છે. તેના કારણે વિદેશ ટૂર ની માંગ છેલ્લા એમ મહિનાથી સારી એવી જોવા મળી રહી છે. પરંતુ બજેટના કારણે વિદેશ ટૂર પેકેજ માં સીધો ૨૦ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. પહેલા જે પેકેજ પ્રતિ વ્‍યકિત એક લાખ રૂપિયા તે સીધુ એક લાખ ૨૦ હજાર પર પહોંચી ગયું છે. (૨૨.૫)

રોકડેથી ટૂર બુક કરાવનારાઓની સંખ્‍યા વધશે

પહેલા વિદેશ પ્રવાસ જનારાઓ રિટર્નમાં તે દર્શાવવા માટે ફલાઇટની ટિકિટ અને ટૂર પેકેજ લેતા હતા તેની ચુકવણી ચેકથી કરતા હતા. ત્‍યારબાદ તેનો ઉલ્લેખ આઇટી રિટર્નમાં કરતા હતા પરંતુ હવેથી ટૂર પેકેજમાં સીધો ૨૦ ટકાનો વધારો થવાના કારણે મોટાભાગના લોકો ચેકના બદલે રોકડેથી જ તેના નાણાની ચુકવણી કરે તેવી પણ શકયતા સેવાઇ રહી છે.

એક વર્ષ સુધી ટીસીએસનું રિફંડ નહીં મળે

વિદેશ પ્રવાસ કરતા હોવા છતાં કેટલાય લોકો આઇટી રિટર્નમાં તેને દર્શાવતા નથી. તેના કારણે જ સરકારે આવક વધારવા માટે જ જીએસટીના અને ટીસીએસના દરમાં વધારો કરી દીધો છે. આ ઉપરાંત ટીસીએસની વસૂલાત કર્યા બાદ એક વર્ષ સુધી તેનું રિફંડ પણ લઇ નહીં શકાય તે પ્રમાણેની જોગવાઇ કરવામાં આવી છે.

(11:08 am IST)