મુખ્ય સમાચાર
News of Tuesday, 7th February 2023

સ્‍થૂળતા નોતરી શકે છે ૧૩ જાતના કેન્‍સર

સ્‍થૂળતા માત્ર દેખાવ નથી બગાડતી, પરંતુ આરોગ્‍ય બગાડે છે અને ઘણા રોગને નોતરે છે

નવી દિલ્‍હી,તા. ૭: સ્‍થૂળતાને કે જાડા શરીરને હંમેશાં દેખાવ સાથે જ જોડી દેવામાં આવ્‍યા છે. ખાસ કરીને મહિલાઓ તો એક ઈંચ પેટ વધે કે થોડું પણ વજન વધે કે તરત ચિંતામાં મૂકાઈ જાય છે અને જાતજાતના નુસખા અજમાવે છે. પુરુષો પણ આજકાલ દેખાવ અને બોડી બિલ્‍ડિંગના રવાડે ચડ્‍યા હોય વજનને નિયંત્રણ રાખવામાં માને છે, પરંતુ ખોટી જીવનશૈલી અને ખાણીપીણી તેમ જ દૂષિત વાતાવરણને લીધે મેદસ્‍વીતા કે સ્‍થૂળતા ખૂબ જ સામાન્‍ય થઈ ગઈ છે. આ સ્‍થૂળતા માત્ર દેખાવ નથી બગાડતી, પરંતુ આરોગ્‍ય બગાડે છે અને ઘણા રોગને નોતરે છે.

નિષ્‍ણાતોએ કરેલા અભ્‍યાસ અનુસાર મેદસ્‍વી શરીર ધરાવતા લોકોમાં કેન્‍સરનું જોખમ ૧.૫થી ચારગણું વધી જાય છે. સ્‍થૂળ શરીરવાળાને ૧૩ જાતના કેન્‍સર થવાની સંભાવના છે, જેમા અન્નનળી, પેટ, લીવર, સ્‍વાદપિંડુ, કોલોન, પિત્તાશય, કિડની અને થાઈરોડ વગેરેનો સમાવેશ થાય છે.

આ સાથે સ્‍થૂળ મહિલાઓને ઓવેરીઅન કેન્‍સર, બ્રેસ્‍ટ કેન્‍સર અને એન્‍ડોમેટિરિઅલ કેન્‍સર થવાની સંભાવના સામાન્‍ય વજન ધરાવતી મહિલાઓ કરતા સાતથી આઠ ગણી વધી જાય છે. ભારતમાં ૨૦૩૦માં ૨.૭ કરોડ બાળક સ્‍થૂળતાથી પીડાતા હોવાનું સંશોધનો કહે છે.

સ્‍થૂળતા કેન્‍સરનું જોખમ વધારી દે છે તેના ઘણા કારણો છે. માણસ શરીરના ફેટ ટીસ્‍યુ વધારે માત્રામાં એસ્‍ટ્રોજન છોડે છે, જેને લીધે મહિલાઓમાં બ્રેસ્‍ટ કેન્‍સર અને ઓવરીએન કેન્‍સરનું જોખમ વધી જાય છે.

તો મેદસ્‍વી લોકોમાં ઈન્‍સ્‍યુલીનની માત્ર ખૂબ જ ઊંચી હોય છે અને તેને લીધે કોલોન, કિડની અને પ્રોસ્‍ટેસ્‍ટનું જોખમ વધી જાય છે. સ્‍થૂળતા ટીસ્‍યુ પરના વારંવાર ઉથલા મારતા વિકારને ઓક્‍સિડેટીવ સ્‍ટ્રેસ વધારે છે, જેના લીધે પણ કેન્‍સરનું જોખમ વધે છે.

(11:10 am IST)