૩૭૦, રામમંદિર પછી હવે સમાન સીવીલ કોડ??
આર.એસ.એસ.ની પત્રિકામાં ઉઠાવાઇ માંગણી

નવી દિલ્હીઃ રામમંદિર અને ૩૭૦મી કલમ હટયા પછી હવે સમાન નાગરિક સંહિતાનો મુદ્દો ચર્ચામાં છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ) સાથે સંબંધિત પત્રિકા ઇન્દ્રપ્રસ્થ સંવાદમાં પણ તેને લાગુ કરવાની માંગણી કરાઇ છે. તેમાં કહેવામાં આવ્યુ છેકે અહી બધા માટે નાગરિક કાનુન એક સમાન નથી, દરેક ધર્મમાં પોતાની રીતે નકકી કરાયુ છે.
પત્રિકામાં કહેવાયુ છે કે મસ્જિદો, ચર્ચો અને ગુરૂદ્વારાઓને પોતાના નાણા અને અન્ય બાબતોના મેનેજમેન્ટની પરવાનગી આપવામાં આવે છે. જયારે મંદિરો પર સરકારનું નિમંત્રણ છે. છુટાછેડા પછી હિંદુ મહિલાઓ ભરણપોષણ ભથ્થુ મેળવવા હકકદાર છે જયારે મુસ્લીમ મહિલા માટે તેવું નથી
પત્રિકામાં કહેવાયુ છે કે ૭૩ વર્ષ પછી પણ દેશમાં યુનિફોર્મ સીવીલ કોડ લાગુ નથી કરાયો. લોકશાહી અને કાયદાના શાસનનો મતલબ છે કે દરેક વ્યકિત એક સમાન છે અને કોઇ વચ્ચે કોઇ ભેદભાવ નથી. પણ ખરેખર દેશમાં એવુ છે? તેમાં કહેવાયુ છે કે યુનિફોર્મ સીવીલ કોડ(યુસીસી) બાબતે છેલ્લા કેટલાક મહિનાઓથી ઘણી ચર્ચા છે કેટલાય ભાજપા સાંસદ પણ યુસીસી માટે સંસદમાં ખાનગી વિધેયક લાવ્યા છે.
સંઘનું માનવુ છે કે હાલ તો યુસીસીને આગળ વધારવાનો સૌથી સારો માર્ગ કેન્દ્રીય કાયદાના બદલે રાજયોના માધ્યમનો છે. આરએસએસના સુત્રોએ એ પણ કહયુ કે સંઘને યુસીસીને આગળ વધારવાની કોઇ ઉતાવળ નથી. તેમણે કહયુ તેને લાગુ કરતા પહેલા કાયદાના ઉંડા અભ્યાસ અને વ્યાપક વિચારણાની જરૂર છે. આ કલમ ૩૭૦ નથી જેમાં ફકત નિર્ણય જ લેવાનો હતો. યુસીસી સમાજ દરેક વર્ગ સાથે સંબંધિત છે અને એટલે બધાના વિચાર જાણવા જરૂરી છે.