મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

વિરાટ-અનુષ્કાએ કોરોનાની મદદ માટે કર્યુ ૨ કરોડનું દાન

બંનેએ ભારતમાં કોવિડ રિલીફ માટે ફંડરેજર શરૂ કર્યુ

નવી દિલ્હી, તા.૭: આ સમયે દેશ કોરોના વાયરસથી ઝઝૂમી રહ્યો છે અને આ સંકટના સમયમાં ઘણા સેલેબ્સ મદદ માટે આગળ આવ્યા છે. ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા પણ મદદ માટે આવ્યા છે.

એક ફંડરેઝન અભિયાન માટે તેઓ ધનરાશિ એકત્રિત કરી રહ્યાં છે તેમનુ લક્ષ્ય ૭ કરોડ રૂપિયા ભેગા કરવાનુ છે. તેમણે એક વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી હતી.

કોહલી અને અનુષ્કાની તરફથી કહેવામાં આવે છે કે ભારતમાં કોવિડ પરિસ્થિતિમાં મદદ કરવા માટે તેઓ ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ કેટો દ્વારા એક અભિયાન શરૂ કરી રહ્યા છે અને તેમણે પોતાના તરફથી બે કરોડ રૂપિયાનું દાન કર્યુ છે. તેમાં મળેલ ધનરાશિ એસીટી ગ્રાંટ્સ નામક સંસ્થાને આપવામાં આવશે. જે ઓકિસજન અને ચિકિત્સા સાથે જોડાયેલ છે.

આ વીડિયોમાં અનુશ્કા કહે છે કે, કોરોના વાયરસ મહામારીથી લડવા માટે ભારતમાં પરિસ્થિતિ કઠિન થઇ ગઇ છે. પોતાના દેશમાં આ પ્રકારનો સંઘર્ષ જોઇને ખુબ દુઃખ થાય છે. તે બાદ વિરાટે કહ્યું કે અમે તે લોકોના આભારી છીએ જે અમારા માટે દિવસ રાત લડ્યા છે. તેમની નિષ્ઠાની અમે સરાહના કરીએ છીએ.

બાદમાં અનુષ્કા કહે છે કે, હવે તેમને જરૂર છે આપણા સપોર્ટની અને આપણે તેમની સાથે ઉભા રહીએ તેની. આપણે સાથે મળીને આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીશું. બાદમાં તે ફંડરેઝર વિશે માહીતી આપે છે

અત્યાર સુધીમાં શ્રમિકો સહિત અનેક દેશવાસીઓને મદદ કરી છે અને હજીપણ જરૂરીયાતમંદ લોકોને મદદ પહોંચાડી રહ્યા છે. દેશભરમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, ઓકિસજન, હોસ્પિટલમાં બેડ, દવાઓ અને અન્ય ચીજવસ્તુઓની અછત સર્જાઇ છે, આ સમયે સોનુ સૂદ લોકોની મદદ કરી રહ્યા છે.

સોનુ સૂદ ફાઉન્ડેશન દ્વારા સામાન્ય લોકોની સાથો-સાથ ભારતીય સેલેબ્સની પણ મદદ કરી રહ્યા છે. દેશના જાણીતા ક્રિકેટર સુરેશ રૈનાએ મેરઠમાં રહેતી પોતાની માસી માટે ઓકિસજન સિલિન્ડરની મદદ ટ્વીટર પર માગી હતી.

રૈનાએ લખ્યું કે, ૬૫ વર્ષની તેમની માસી હોસ્પિટલમાં ફેફસાના ઇન્ફેકશન સામે લડી રહી છે અને ઓકિસજનની જરૂર છે. ત્યારે સોનુ સૂદે જવાબ આપ્યો હતો કે, ૧૦ મિનિટમાં ઓકિસજન સિલિન્ડર પહોંચી જશે.

(4:15 pm IST)