મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

કોરોનાની બીજી લહેરમાં ટૂરિઝમ સેક્ટર સંપૂર્ણ તબાહ

કોરોનાની બીજી લહેરમાં અનેક ક્ષેત્રોને મોટું નુકશાન : પહેલી લહેર બાદ સ્થિતિ સુધરવા માંડી હતી, લોકો ફરવા જવા માંડ્યા હતા પણ બીજી લહેરથી ફરી વ્યવસાય ફટકો

નવી દિલ્હી, તા. ૭  :કોરોનાની પહેલી અને હવે બીજી લહેરમાં સૌથી વધુ નુકસાન થયુ હોય તેવા સેક્ટરમાં ટુરિઝમનો પણ સમાવેશ થાય છે.

બીજી લહેરે ઉનાળુ વેકેશનની ટુરિઝમની સીઝનને પણ ખતમ કરી નાંખી છે ત્યારે હવે આ સેક્ટરમાં એક કરોડ લોકો નોકરી ગુમાવે તેવી સંભાવના છે.

ટુરિઝમ ઈન્ડસ્ટ્રી દેશમાં સૌથી વધુ લોકોને રોજગાર આપતા વ્યવસાય પૈકીનો એક છે.કોરોનાના કારણે સૌથી વધારે નુકસાન આ ઈન્ડસ્ટ્રીને થયુ છે.કોરોનાની પહેલી લહેરમાં લોકડાઉનના કારણે ટુરિઝમનો વ્યવસાય ઠપ રહ્યો હતો.પહેલી લહેર બાદ સ્થિતિ થોડી સુધરવા માંડી હતી અને લોકો ફરવા જવા માંડ્યા હતા પણ બીજી લહેરે ફરી આ વ્યવસાયને કારમો ફટકો માર્યો છે.

આ સેક્ટરની એક કરોડ નોકરીઓ પર ખતરો જોવા મળી રહ્યો છે.બીજી લહેરના કારણે એડવાન્સ બૂકિંગ પણ રદ થયા છે અને આ સેકટરના લોકો હવે બીજા સેક્ટરમાં નોકરીઓ શોધી રહ્યા છે.હાલત એવી છે કે, ઘણા દેશોએ ભારત સાથે બાયો બબલના કરારો રદ કરી દીધા હોવાથી ફોરેન ટુરિઝમ તો હાલ પુરુતુ ખતમ થઈ ગયુ છે.ફ્લાઈટો પર પણ રોક લાગી ગઈ છે. દેશમાં ઘણા રાજ્યોમાં લોકડાઉન છે અને તેના કારણે ટુરિઝમ પર આધાર રાખતા રાજ્યોની હાલત તો વધારે કફોડી બની ચુકી છે.હવે આ સેક્ટરને ઉગારવા માટે ૧૦૦ ટકા રસીકરણ જ વિકલ્પ છે તેવુ ઘણા જાણકારો કહી રહ્યા છે.

(7:40 pm IST)