મુખ્ય સમાચાર
News of Saturday, 7th May 2022

વેકેશન ટૂર ૨૫ ટકા મોંઘી છતાં લોકોનો ઉત્‍સાહ અકબંધ

જમ્‍મુ-કાશ્‍મીર, લેહ, લદ્દાખ, નેપાળ, ઉટી, સીમલા-મનાલી જેવા હિલ સ્‍ટેશન પર ધસારો : વિદેશી ટૂર પણ મોંઘી થઇ : સિંગાપુર પ્રવાસે જનારા લોકો પણ ઘણા છે

અમદાવાદ તા. ૭ : ગુજરાતીઓ પ્રવાસમાં અવ્‍વલ હોય છે. ફરવાના કોઇપણ સ્‍થળે ગુજરાતી લોકોનો જમાવડો હોય છે. જોકે લાગલગાટ બે વર્ષ કોરોના અવરોધ ઉભો કર્યા બાદ ફરીથી પ્રવાસન ઉદ્યોગ વેગ પકડી રહ્યો છે. પ્રવાસનમાં તેજી આવતા ખર્ચમાં ૨૫ ટકા સુધીનો વધારો જોવાઇ રહ્યો છે છતાં લોકોનો ઉત્‍સાહ અકબંધ છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી અનેક લોકો કાશ્‍મીર અને હિમાચલના પ્રવાસે મે મહિનામાં જવાના છે. એકથી દોઢ માસ સુધી ત્‍યાં પણ ચિક્કાર ગિર્દી જોવા મળશે. હાલ લોકોનો ધસારો એ તરફ ખૂબ વધ્‍યો છે. એ સાથે ભાવવધારો તમામ ચીજમાં ઝળકી રહ્યો છે. લોકો પણ હોંશે હોંશે બજેટ ફાળવે છે. વિદેશી ટૂર પણ મોંઘી થઇ છે. સિંગાપુર પ્રવાસે જનારા લોકો પણ ઘણા છે. ત્‍યાં અગાઉ સાત દિવસનો પ્રવાસ થતો ત્‍યાં હવે પાંચ દિવસ પ્રવાસ થઈ રહ્યો છે. ભાવ એના એ જ છે પણ દિવસ કપાઇ જતા પ્રવાસનો ખર્ચ ૨૫ ટકા જેવો વધી ગયો છે. બે વર્ષ સુધી પ્રવાસો થયા નથી એટલે લોકો હવે ખર્ચ કરીને પણ જઇ રહ્યા છે.
જોકે હાલ કોરોના પહેલાની સ્‍થિતિ હતી તેના ૮૦ ટકા જેટલો ભાગ પ્રવાસન વિભાગે કવર કરી લીધો છે અને સ્‍થાનિક ટુરિઝમ સૌથી વધુ ચાલી રહ્યું છે. ગરમીના દિવસો છે એટલા માટે જમ્‍મુ-કાશ્‍મીર, લેહ, લદાખ નેપાળ, ઉટી, સીમલા-મનાલી જેવા હિલ સ્‍ટેશન પર ધસારો જોવા મળ્‍યો છે. આવનાર દિવસોમાં પણ બાકિંગ એટલું જ મજબૂત છે એમ શક્‍તિ ટ્રાવેલ્‍સના ચેરમેન મહેશભાઈ દૂદકિયાએ જણાવ્‍યું હતું.
હાલ ગુજરાત ટુરિઝમ ઉદ્યોગ ૨૦૦૦ કરોડની આસપાસનું કદ ધરાવે છે. દેશભરમાં ગુજરાતનો પ્રવાસનમાં હિસ્‍સો વધી રહ્યો છે અને હાલ ગુજરાત દેશને ટુરિઝમમાં ૨૫ ટકા જેવો ફાળો છે.
હોટેલ અને વિમાની ભાડા પણ વધી રહ્યા છે છતાં પણ ગુજરાતીઓ મોકો મળીએ પ્રવાસ કરવાનું ચૂકતા નથી. જયાં પ્રવાસના દિવસોની સંખ્‍યા હતી તેમાં ઘટાડો કરીને પણ ફરવાનું ચાલી રહ્યું છે અને દિવાળી વેકેશનમાં જો કોરોના ફરીથી માથું નહી ઊચકે તો પ્રવાસનમાં વધુ વેગ આવશે.

 

(11:14 am IST)