મુખ્ય સમાચાર
News of Saturday, 7th May 2022

મુંબઈની LIC ઓફિસમાં ભીષણ આગ ભભૂકી :મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને ખાખ: ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે

વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલી એલઆઈસી ઑફિસમાં સવારે બીજામાળે ભીષણ આગ ફાટી નીકળી

મુંબઈના વિલેપાર્લે અને સાંતાક્રુઝ વેસ્ટ નજીક આવેલી એલઆઈસી ઑફિસમાં આજે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ સવારે સાત વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

 આ આગ એલઆઈસી બિલ્ડિંગમાં લેવલ 2 ની છે. આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. LIC ઓફિસ ગ્રાઉન્ડ અને તેની ઉપર બે માળ ધરાવે છે. બિલ્ડિંગમાં આગ બીજા માળે લાગી છે. બીજા માળના કોમન પેસેજમાં ધુમાડો જ ધુમાડો જોવા મળી રહ્યો છે.

પોલીસ ટીમ પણ સ્થળ પર હાજર છે. સવારે આગ લાગી હોવાથી કર્મચારીઓ ઓફિસમાં હાજર ન હતા. આના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

બિલ્ડિંગના બીજા માળે સેલેરી સેવિંગ પ્લાન સંબંધિત વિભાગ છે. આ વિભાગમાં ઈલેકટ્રીક વાયરીંગ, ઈન્સ્ટોલેશન, કોમ્પ્યુટર, ફાઈલ રેકર્ડ, લાકડાના ફર્નિચર સહિતની વસ્તુઓમાં આગ લાગી છે. આ LIC ઓફિસ વિલે પાર્લે વેસ્ટમાં નાણાવટી હોસ્પિટલની સામે સ્વામી વિવેકાનંદ માર્ગ પર છે. આ જ બિલ્ડીંગમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ એક કર્મચારીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પછી ફાયર બ્રિગેડના કર્મચારીઓ અને અધિકારીઓએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. આગ ઓલવવાનું કામ હજુ ચાલુ છે

(12:20 pm IST)