મુખ્ય સમાચાર
News of Saturday, 7th May 2022

રાજસ્થાનમાં રાજકીય દંગલ : 15મીથી ઉદયપુરમાં કોંગ્રેસની ત્રણ દિ'ની ચિંતન શિબિર બાદ 20મીથી બે દિવસ ભાજપની જયપુરમાં બેઠક યોજાશે

ભાજપે વિપક્ષ શાસિત તેવા રાજ્યમાં મહત્ત્વની બેઠક યોજવા નિર્ણય લીધો :પક્ષના અધ્યક્ષ જે. પી. નડ્ડા ૧૦મી મેથી બે દિવસ રોકાશે : પક્ષના મહામંત્રી તથા રાજસ્થાનના પ્રભારી અરૂણસિંહ એક સપ્તાહ સુધી રાજ્યમાં રહેશે

રાજસ્થાનમાં ભાજપ– કોંગ્રેસનું દંગલ જામવાનું છે કોંગ્રેસ ૧૫થી ૧૭ મે સુધી ઉદયપુરમાં ત્રિ-દિવસીય ‘ચિંતન શિબિર’ યોજવાની છે. જ્યારે ભાજપ જયપુરમાં ૨૦મી મેથી બે દિવસની રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક યોજવાનો છે. રાજસ્થાનમાં ભાજપ એકમને તે માટે સ્થળ નિશ્ચિત કરવા કહેવાઈ ગયું છે.

 અત્રે ઉલ્લેખનીય તે છે કે છેલ્લા કેટલાય વર્ષોમાં તેવું પહેલીવાર જ બનશે કે જેમાં ભાજપે વિપક્ષ શાસિત તેવા રાજ્યમાં મહત્ત્વની બેઠક યોજવા નિર્ણય લીધો હોય.

આગામી વર્ષે જે છ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પૈકી બે રાજ્યો રાજસ્થાન અને છત્તીસગઢમાં કોગ્રેસની સરકારો છે. આથી વીરોની ભૂમિ રાજસ્થાનમાં યોજાનારી ભાજપની બેઠકનું મહત્ત્વ ઘણું જ છે.

 

તે સર્વવિદિત છે કે રાજ્યના વિભિન્ન ભાગોમાં આવી રહેલી કોમી તંગદિલી અને શાસનની નિષ્ફળતા માટે અશોક ગેહલોતના નેતૃત્વ નીચે કોંગ્રેસ સરકાર ઉપર ભાજપ સતત હુમલા કરી રહ્યો છે.

આ પૂર્વે યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૈકી ૪ રાજ્યોમાં ભાજપ વિજયી થયો છે, અને હવે અન્ય રાજ્યોમાં પણ તેની વિજય પરંપરા ચાલુ રાખવા માંગે છે જેની સીધી અસર ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા દિલ્હી અને છત્તીસગઢના પડોશી રાજ્યો ઉપર પડવા સંભવ છે.

આ બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખો, મહામંત્રીઓ, પ્રદેશ પ્રભારીઓ તો ઉપસ્થિત રહેશે જ તેમજ કેન્દ્રના તથા રાજ્યોના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકને વડાપ્રધાન વર્ચ્યુઅલ સંબોધન કરશે.

આ બેઠકમાં જે રાજ્યોમાં આ વર્ષના અંત સુધીમાં કે આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે તે રાજ્યોના ‘પ્રગતિ રિપોર્ટ’ તૈયાર કરવા રાજ્ય પ્રભારીઓને જણાવી દેવાયું છે. સાથે ભવિષ્યની કાર્યવાહી માટે એક વિસ્તૃત યોજના બનાવવા વિષે પણ ચર્ચા થવાની છે.

ભાજપના વરિષ્ઠ નેતાઓ નિયમિત રીતે રાજસ્થાનની મુલાકાત લઈ રહ્યા છે. પક્ષના અધ્યક્ષ જે. પી. નડ્ડા ૧૦મી મેથી બે દિવસ માટે રાજ્યની મુલાકાતે જવાના છે. પક્ષના મહામંત્રી તથા રાજસ્થાનના પ્રભારી અરૂણસિંહ એક સપ્તાહ સુધી રાજ્યમાં રહેશે તથા પાર્ટીની ચૂંટણી તૈયારીઓ અંગે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે. પ્રદેશ પ્રમુખ જે.પી. મુનિયાએ કહ્યું હતું કે, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહિનામાં બે વખત રાજ્યની મુલાકાત લીધી હતી તેનો હેતુ કાર્યકર્તાઓ અને નેતાઓને યુદ્ધ માટે તૈયાર રહેવા પ્રોત્સાહિત કરવાનો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ આ મહિને બાંસવાડાના આદિવાસી વિસ્તારની પણ મુલાકાત લેવાના છે.

(12:35 am IST)