મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

'કાશી - મથુરા બાકી હૈ...' મથુરામાં ક્રિષ્ના જન્મભૂમિ નિર્માણ ન્યાસની રચના : ૧૪ રાજ્યોના ૮૦ સંતો બન્યા સભ્ય

અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો માર્ગ મોકળો થયા બાદ :૨૩ જુલાઇએ ન્યાસનું રજીસ્ટ્રેશન શ્રીકૃષ્ણ જન્મભૂમિની આઝાદી માટે તુરંતમાં હસ્તાક્ષર અભિયાન : રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ :નરસિંહારાવના સમય પસાર થયેલ કાનૂન અડચણરૂપ બને છે

મથુરા તા. ૭ : અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિ પૂજનને હજુ બે દિવસ પણ નથી થયા ત્યાં મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ ફરી મેળવવા મુકત કરાવવા માટે 'કૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસ'ની મથુરામાં સ્થાપના થયાની અને ૧૪ રાજ્યોના ૮૦ સાધુઓ તેમાં જોડાયાની જાહેરાત ન્યાસના આચાર્ય દેવમુરારીબાપુએ કરી છે. તેમણે કહ્યું છે કે 'હરિયાલી તીજ'ના શુભ દિવસે ૨૩ જુલાઇએ 'શ્રી કૃષ્ણ જન્મભૂમિ ન્યાસ' ટ્રસ્ટ રજીસ્ટર કરાવાયું છે. આ ટ્રસ્ટ સાથે ૮૦ સાધુમાં ૧૧ વૃંદાવનથી જોડાયા છે.

આચાર્યશ્રી દેવમુરારી બાપુએ કહેલ કે કૃષ્ણ જન્મભૂમિની મુકિત માટે અન્ય સાધુ - સંતો - પીઠાધીશોને જોડવા સહી ઝુંબેશ તુરંતમાં શરૂ કરાશે.

સહી ઝુંબેશ પછી તુરંત જ આ પ્રશ્ને રાષ્ટ્રવ્યાપી ચળવળ શરૂ કરાશે. અમે ફેબ્રુઆરીમાં જ ઝુંબેશ શરૂ કરી દીધી હતી પરંતુ લોકડાઉનને કારણે આગળ વધી શકયા ન હતા.

મથુરામાં કૃષ્ણ જન્મભૂમિની જગ્યા ઉપર શાહી ઇદગાહ મસ્જિદ ઉભી છે. ઇસ્લામીક ઘુસણખોર ઔરંગઝેબે પૌરાણિક કેશવનાથ મંદિરને તોડી નાખી ત્યાં ૧૬૬૯માં શાહી ઇદગાહ મસ્જિદ ઉભી કરી દીધેલ.

કૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસે આ મસ્જિદનો કબ્જો પુનઃ મેળવી ત્યાં કોમ્યુનિટી હોલ બાંધવા માગે છે.

કૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ન્યાસ હવે મસ્જિદને અડીને આવેલી ૪ાા એકર જમીન પુનઃ મેળવી ત્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 'રંગમંચ' બનાવવા માટે કરવા માગે છે.

૧૯૯૨માં બાબરી મસ્જિદ ધ્વંશના સમયથી વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મુકિત માટે અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની જમીનની મુકિત માટે સતત માગણી કરી રહેલ છે.

રામ જન્મભૂમિ અંગે સુપ્રીમ કોર્ટના ચૂકાદાના પગલે હિન્દુઓ દ્વારા અયોધ્યાની સાથે કાશી અને મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મુકિત માટે માગણી થઇ રહી છે. દેશમાં વિવિધ હિન્દુ સંગઠનો કાશી વિશ્વનાથ મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ મંદિર - મથુરાની વિવાદીત જગ્યાઓ પરત મેળવવા માગણી કરી રહ્યા છે.

ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરનો નાશ કરી ગ્યાનવાળી મસ્જિદ બાંધી હતી. આ મસ્જિદની દિવાલો ઉપર આજે પણ પૌરાણિક મંદિરના અવશેષો જોવા મળી રહ્યા છે. ઇતિહાસમાં આ મંદિર આ પહેલા પણ સંખ્યાબંધ વખત તોડી પડાયેલ અને પુનઃ ચણતર કરાયેલ. હાલનું કાશી વિશ્વનાથ મંદિર મસ્જિદની જગ્યા પાસે ૧૭૭૭માં રાણી અહલ્યાબાઇ હોલ્કરે બંધાવ્યું હતું.

૧૯૯૧માં પી.વી. નરસિંહ રાવ સરકારે 'પ્લેસીઝ ઓફ વર્શીપ' (સ્પેશીયલ પ્રોવીઝન) એકટ ૧૯૯૧ લાગુ કરતા હિન્દુઓ માટે તેમની આધ્યાત્મિક - સાંસ્કૃતિક જગ્યાઓ પુનઃ પ્રાપ્ત કરવાની માગણી આડે મોટો પડકાર બની ગયેલ છે. આ વિવાદીત કાનૂન ધાર્મિક - પૂજન સ્થળોના કન્વર્ઝનની મનાઇ ફરમાવે છે. જેમકે ચર્ચો, મસ્જિદો, મંદિરોને અન્ય ધર્મના પૂજાના સ્થળમાં બદલવા સામે રોક લગાવે છે.

પ્લેસીઝ ઓફ વર્સીપ એકટ ૧૯૯૧ની સેકસન ૪ મુજબ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ જે ધાર્મિક સ્થળો અસ્તિત્વમાં હોય તેની ધાર્મિકતા બરકરાર રાખવા દાવો કરે છે. આ કાનૂન અમલમાં આવ્યા પછી દેશની કોઇપણ કોર્ટમાં આવા સ્થળોને લગતા દાવાઓ ચાલતા હોય તે આપોઆપ સમાપ્ત થઇ જાય છે. જો કે રામ જન્મભૂમિ વિવાદને સેકસન ૫ હેઠળ કોર્ટમાં ચાલતા પ્રોસીડીંગ્સ બાબતે ખાસ છૂટછાટ આપવામાં આવેલી.

દરમિયાન આચાર્ય દેવમુરારી બાપુ કહે છે કે મોટી અડચણો દૂર કરી શકયા છીએ ત્યારે આ નાની અડચણોને જરૂર પાર કરી જશું. કૃષ્ણ જન્મભૂમિને મુકત કરાવવાની અમારી વાત પર મક્કમ છીએ.

(3:48 pm IST)