મુખ્ય સમાચાર
News of Friday, 7th August 2020

હવે અધિકારીઓને બંગલાની સાથે પટાવાળો નહીં મળી શકે

રેલવેમાંથી બ્રિટિશ રાજનો અંત : રલવે બોર્ડ દ્વારા આ અંગે આદેશ જાહેર કરી દેવામાં આવ્યો

નવી દિલ્હી, તા. ૭ : ભારતીય રેલવે ટૂંક સમયમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી ખલાસી સિસ્ટમને બંધ કરવા જઈ રહી છે. તેની સાથે જ પ્યૂન ની નિયુક્તિ પણ હવે નહીં થાય. બંગલો પ્યૂન, રેલવે અધિકારીઓના ઘરે કામ કરે છે. રેલવે બોર્ડે તેમની નવી નિયુક્તિ પર રોક લગાવી દીધી છે. રેલવે બોર્ડે તેની સાથે જોડાયેલા આદેશને ૬ ઓગસ્ટે જાહેર કરી દીધો છે. નોંધનીય છે કે, રેલવેમાં હજુ પણ અનેક વ્યવસ્થા અંગ્રેજોના જમાનાની છે. રેલવેના મોટાભાગના અધિકારી જ્યાં સુધી નોકરી કરે વે, બંગલો પ્યૂનની સુવિધા લે છે.

આ અધિકારી પોતાની મરજીના વ્યક્તિને બંગલો પ્યૂનના નામે રેલવેમાં નોકરી લગાડી દેતા હોય છે. બે-ત્રણ વર્ષ તે સાહેબના બંગલોમાં રહે છે, પછી તે મરજી મુજબની જગ્યાએ પોસ્ટિંગ મેળવી લે છે અને સાહેબની પાસે નવો બંગલો પ્યૂન આવી જાય છે. રેલવે બોર્ડ ટેલીફોન અટેન્ડન્ટ કમ ડાક ખલાસીના પદને લઈ પણ સમીક્ષા કરી રહ્યું છે. પીટીઆઈ મુજબ, ડાક ખલાસીની નિયુક્તિ વિશેનો મુદ્દો રેલવે બોર્ડમાં સમીક્ષાને આધીન છે. તેથી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ડાક ખલાસીના રૂપમાં નવી નિયુક્તિ નહીં થાય. આદેશમાં વધુ કહેવામાં આવ્યું છે કે, ૧ જુલાઇ ૨૦૨૦થી આવી નિયુક્તિઓ માટે અનુમોદિત તમામ મામલની સમીક્ષા કરવામાં આવી શકે છે અને બોર્ડને સલાહ આપવામાં આવી શકે છે. તમામ રેલવે પ્રતિષ્ઠાનોમાં તેનું કડકાઈથી પાલન કરવામાં આવી શકે છે.

(7:13 pm IST)