મુખ્ય સમાચાર
News of Monday, 7th September 2020

ભારતથી હજારો જોજન દૂર અમેરિકાની ધરતી ઉપર ભારતીય સંસ્કૃતિની મિશાલરૂપ કિસ્સો : ઇન્ડિયન અમેરિકન યુવાન મોટેલિયર શ્રી યોગેશ પટેલની હત્યા થવાથી તેમની વિધવા 29 વર્ષીય સુશ્રી સોનમ પટેલની વહારે સમગ્ર ભારતીય તથા એશિયન કોમ્યુનિટી : ગો ફંડ મી પેજ તથા ફેસબુક પેજ દ્વારા 30 હજાર ડોલર ભેગા કરાયા : 60 હજાર ડોલરના લક્ષ્યાંક સાથે રકમ એકત્ર કરવાનું ચાલુ : લેઉઆ પટેલ સમાજ ,ચરોતર પાટીદાર સમાજ ,ભક્ત સમાજ ,AAHOA સુશ્રી અલ્પા પટેલ ,સુશ્રી લીના પટેલ ,તેમજ કોમ્યુનિટી દ્વારા આર્થિક સહાય ઉપરાંત સુશ્રી સોનમબેનને નોકરીની ઓફર : આરોપીની ધરપકડ સાથે માનવ વધનો ગુનો દાખલ કરાયો

ક્લિવલેન્ડ : યુ.એસ.ના ક્લિવલેન્ડ મિસિસિપીમાં 11 ઓગસ્ટ 2020 ના રોજ ઇન્ડિયન અમેરિકન મોટેલિયર યુવાન શ્રી યોગેશ પટેલની તેની મોટેલમાં જ ઉતરેલા એક વ્યક્તિએ હત્યા કરી નાખતા આ યુવાન અને તેની પત્ની સોનમ પટેલ નું અમેરિકામાં સરળ અને સુખી જીવવાનું સ્વપ્ન રોળાઈ જવા પામ્યું છે.
જોકે તેમની કોઈ મોટી મહત્વાકાંક્ષા નહોતી. સરળ અને સુખી  જિંદગી જીવવાનું જ ખ્વાબ હતું. તેથી જ તેમણે ક્લિવલેન્ડ મિસિસિપીમાં મોટેલ ભાડે રાખી હતી.જેનું સંચાલન શ્રી યોગેશ કરતા હતા.પરંતુ કુદરતને આ દંપતીનું સરળ અને સુખી જીવન મંજુર નહોતું.
તેમની મોટેલમાં એક ઉતારું આવ્યો . જેણે પોતાના રૂમનું બારણું તૂટી જાય તેવું નુકશાન કરતા યોગેશે તેને રૂમ છોડી જવાનું કહી તેનો બાકી નીકળતો હિસાબ પરત આપી દીધો હતો.અને પોતે રૂમની લાઈટ ,પંખા ,બંધ કરવા સહિતની કામગીરી કરી રહ્યા હતા .તે દરમિયાન અચાનક પેલો ઉતારું પાછો આવ્યો અને યોગેશભાઈ  ઉપર સોડા બોટલના ઉપરાછાપરી ઘા મારવાનું શરૂ કરી દેતા યોગેશભાઈ લોહીલુહાણ થઇ ગયા હતા .તેમની પત્ની સોનમને  તો આ બાબતની કોઈ ખબર જ નહોતી.પરંતુ મોટેલમાં ઉતરેલા અન્ય એક વ્યક્તિએ ધ્યાન દોરતા તુરત જ યોગેશભાઈને હોસ્પિટલમાં લઇ જવાય હતા .જ્યાં તેમનું  કરૂણ મોત નિપજતા સોનમબેન  માથે જાણે આભ તૂટી પડ્યું હતું.
અજાણ્યું શહેર નહીં કોઈ સગાવહાલા તેવા સંજોગોમાં હોટેલિયર ગ્રુપના લોકોને ખબર પડતા તુરત જ તેઓ  29 વર્ષીય  સોનમની  વહારે  આવી ગયા હતા.જેઓએ સોનમની મુશ્કેલ આર્થિક તથા માનસિક પરિસ્થિતિ વચ્ચે તેને દિલાસો આપી 45 વર્ષીય તેમના પતિની  અંતિમ ક્રિયાની પણ તમામ ખર્ચ સહિતની જવાબદારી ઉપાડી લેવાની તૈયારી બતાવી હતી.એટલું જ નહીં સોનમને વ્યવસાયમાં અથવા નોકરી કરવામાં પુરેપુરી મદદ કરવાની તૈયારી બતાવી હતી.
હૈયું હચમચાવી નાખતી આ ઘટના વચ્ચે ઇરવિન કેલિફોર્નિયા સ્થિત સ્પેસીસ ઇન્ક ના સીઈઓ  સુશ્રી અલ્પા પટેલ સોનમની  મદદે આવ્યા હતા . તેમણે ગો ફંડ મી પેજ તથા ફેસબુક પેજ ઉપર સોનમની  સ્ટોરી શેર કરી કોમ્યુનિટીને મદદરૂપ થવા વિનંતી કરી હતી.જેથી 2 સેપ્ટેમ્બર સુધીમાં બંને પેજ ઉપર પંદર પંદર  હજાર ડોલર મળી 30 હજાર ડોલર ભેગા થઇ ગયા હતા.જે 60 હજાર ડોલરના લક્ષ્યાંક કરતા અડધી રકમ હતી.જે જુદા જુદા શહેરોમાં નિવાસ કરતા એશિયન અમેરિકન લોકો દ્વારા આપવામાં આવી હતી.તથા સોનમને અનુકૂળ હોય તેવી જગ્યાઓ માટે નોકરીની ઓફર પણ આવી હતી.
એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એશોશિએશનના રિજિયોનલ  ડિરેકટર્સે યોગેશની અંતિમ ક્રિયા માટેનો તમામ ખર્ચ ઉપાડી લેવાની તૈયારી બતાવી હતી.સુશ્રી સોનમ  લેઉઆ પાટીદાર સમાજ ના મેમ્બર છે.તેણે તથા ચરોતર પાટીદાર સમાજ , તેમજ  ભક્ત સમાજ કોમ્યુનિટી ગ્રુપે ગો ફંડ મી ના માધ્યમથી આર્થિક મદદ કરી હતી.AAHOA  ઇસ્ટર્ન ડિવિઝનના મહિલા ડિરેક્ટર સુશ્રી લીના પટેલે  ડલાસમાં આવેલી શ્રી રોની પટેલની ક્વોલિટી ઈન માં જોબ માટે વાતચીત કરી સોનમ  માટે નોકરીની ઓફર કરી હતી.સુશ્રી અલ્પા પટેલે પણ સોનમને જણાવ્યું હતું કે ચિંતા કરીશ નહીં તારી સાથે અનેક લોકો છે.
યોગેશભાઈના પિતા શ્રી ઈશ્વરભાઈ પટેલ તથા માતુશ્રી કંચનબેન પટેલ 2000 ની સાલમાં અમેરિકા આવ્યા હતા.જયારે યોગેશભાઈ 2015 ની સાલમાં અમેરિકા આવ્યા હતા.તથા લગ્ન બાદ સુશ્રી સોનમબેન  2016 ની સાલમાં અમરિકા આવ્યા હતા.અને આ નવપરણિત દંપતીએ સુખી અને સરળ જીવન જીવવાની કલ્પના સાથે ક્લિવલેન્ડ મિસિસિપીમાં મોટેલ ભાડે રાખી સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો હતો.જે માટે યોગેશભાઈને તેમના પિતાએ 20 હજાર ડોલર આપ્યા હતા.તથા 20 હજાર ડોલરની તેમણે લોન લીધી હતી. યોગેશભાઈ મોટેલનું સંચાલન કરતા હતા જયારે સોનલબેન લીકવીર શોપમાં નોકરીએ જતા હતા.પરંતુ કોઈ મોટી મહત્વાકાંક્ષા વિનાનું તેમનું આ નાનું એવું સ્વપ્ન પણ વેરવિખેર થઇ ગયું છે.આ સંજોગોમાં હોટેલિયન એશોશિએશન ,લેઉવા પટેલ સમાજ ,ચરોતર પાટીદાર સમાજ ,ભક્ત સમાજ સહીત ઇન્ડિયન તેમજ એશિયન કોમ્યુનિટીના લોકો સુશ્રી સોનમ પટેલની સાથે છે.જેઓ ભારતથી હજારો જોજન દૂર અમેરિકાની ધરતી ઉપર પણ ભારતીય સંસ્કૃતિની મિશાલ પ્રજ્વલિત કરી રહ્યા છે.
યોગેશભાઈની  હત્યાના આરોપી કેંટરૂમ વિલિયમ્સની ક્લિવલેન્ડ પોલીસે ધરપકડ કરી છે. તેના ઉપર માનવ વધનો આરોપ લગાવાયો છે.તથા તે પુરવાર કરવા સાક્ષીઓ પણ મળી રહે તેમ છે. આરોપીને  5 લાખ ડોલરના જમીન મંજુર કરાયા છે.પતિની હત્યા બાબતે સુશ્રી સોનમ ને તથા પરિવાર જનોને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે સોનલનું સૌભાગ્ય છીનવી લેનાર હત્યારો આખી જિંદગી જેલમાં સબડતો રહે તેવી અમારી ઈચ્છા છે.તેવું સુશ્રી અલ્પા પટેલે સોનમ  સાથેની વાતચીત બાદ જણાવ્યું હતું.
કમનસીબે આ દંપતીનો લાઈફ ઈન્સ્યુરન્સ પણ નથી. મોટેલ વ્યવસાય પણ યોગેશભાઈના અવસાન પછી ઠપ્પ થઇ જવા પામ્યો છે.તેથી યોગેશભાઈની વિધવા સુશ્રી સોનમ  માટે હવે શું કરવું તે પણ મૂંઝવણ છે.આ સંજોગોમાં સુશ્રી અલ્પાબેન પટેલે તેમને સધિયારો આપતા જણાવ્યું છે કે ચિંતા કરતા નહીં .સમગ્ર કોમ્યુનિટી  તમારી સાથે છે.સુશ્રી અલ્પાબેને સુશ્રી સોનમના  વિકટ સંજોગો વચ્ચે અડીખમ બની સાથે રહેનાર પટેલ કોમ્યુનિટીની ભાવનાને બિરદાવી છે.તથા ભાવિ પેઢી માટે આ બાબત મિશાલરૂપ બની રહેશે તેમ જણાવ્યું છે.

 

 

(7:33 pm IST)